HomeGujaratNorth Gujaratવાસણા વિસ્તારમાં સિલિન્ડરમાંથી રાંધણ ગેસ ચોરી કરવાનું કૌભાંડ : પોલીસે ડિલિવરી બોયની...

વાસણા વિસ્તારમાં સિલિન્ડરમાંથી રાંધણ ગેસ ચોરી કરવાનું કૌભાંડ : પોલીસે ડિલિવરી બોયની કરી ધરપકડ

અમદાવાદ, રવિવાર

  વાસણા વિસ્તારમાં સિલિન્ડરમાંથી રાંધણ ગેસ ચોરી કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાં પણ કંપનીના ગેસ સપ્લાય કરનારા કર્મચારીઓ જ હોવાનું ખુલતા ખળભળાટ મચી ગયો. ગેસના ભરેલા બાટલામાંથી ખાલી બાટલામાં ગેસ ભરીને તેને બહાર બ્લેકમાં વેચી દેતા હતા. જોકે એક જાગૃત નાગરિકે તેમની આ ગેસચોરી જોઈ જતા તેમનો પર્દાફાશ થયો હતો. હાલમાં વાસણા પોલીસે ગેસ ચોરી કરતા પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

   વાસણાના એકતા ટાવર પાસે રહેતા ફરિયાદી 11મી ડિસેમ્બરના રોજ પોતાના ઘરે હતા. તેમના ઘરની સામે આવેલી ખુલ્લી જગ્યામાં એક લોડીંગ ટેમ્પોમાં રાંધણ ગેસના બાટલા ભરેલા પડયા હતા. આ ટેમ્પોની આડશમાં બે શખ્સો જમીન ઉપર ગેસના બાટલા આડા રાખી પાઈપ ભરાવી ગેસની ચોરી કરતા હતા. ફરિયાદીએ નજીક જઈને જોયું તો લોડીંગ ટેમ્પો પાસે ત્રણ શખ્સો પણ ઉભા હતા. આડા પાડેલા બે બાટલાના સીલ ખોલી નંખાયેલા હતા. બન્ને બાટલાના વાલ્વમાં લોખંડની એક નાની પાઈપ લગાવેલી હતી. આ રીતે ભરેલા બાટલામાંથી ખાલી બાટલામાં ગેસ જતો હતો અને ગેસની ચોરી કરવામાં આવતી હતી.ફરિયાદીએ તરત જ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો.

   પોલીસની ગાડી આવતાં ચાર શખ્સો ભાગી છૂટયા હતા. પણ, એક શખ્સ પકડાઈ ગયો હતો. આ શખ્સે પોતાનું નામ ભરત સોલંકી જણાવ્યું હતું. તે શ્યામલ ચાર રસ્તા પાસે આવેલી શિવશક્તિ ગેસ એજન્સીમાં છ મહિનાથી ટેમ્પો ચલાવી ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. ભરત ગેસના બાટલા મેળવી ડીલીવરી કરવા નીકળતો હતો તે પછી તેના ભાઈ અને બીજા શખ્સોની સાથે મળીને ગેસની ચોરી કરતા હતા. ભરત સાથે તેનો ભાઈ મહેન્દ્ર સોલંકી, મોન્ટુ, કાર્તિક સોલંકી, મેહુલ સોલંકી એમ પાંચ શખ્સો ભરેલા બાટલામાંથી ખાલી બાટલાઓમાં ગેસ ભરતા હતા.​​​​​​​ગેસની ચોરી બાદ ભરત ટેમ્પો લઈ જતો અને ડિલિવરીના બાટલા ગ્રાહકોને આપતો, જ્યારે ખાલી બાટલામાં ગેસ ભર્યો હોય તેને બ્લેકમાં જરૂરિયાતમંદ ગ્રાહકોને વેચીને પૈસા લેતો હતો. હાલમાં વાસણા પોલીસે ભરતને પકડી પાડ્યા પછી અન્ય આરોપીને ઝડપી લઈ રાંધણગેસ ચોરીના રેકેટ અંગે વધુ તપાસ હાથ ધરી છે. (તસ્વીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW