કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. ખેડૂત આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર આપવાની માંગ કરી હતી. રાહુલે કહ્યું કે અમે એ લોકોની યાદી તૈયાર કરીને આપીશું જે આંદોલનમાં માર્યા ગયા છે. સરકાર તેઓને વળતર આપશે.
ખેડૂતોના મોત આંદોલન દરમિયાન થયા છે જેનો ડેટા સરકાર પાસે નથી. અમારી પાસે છે, અમે તેઓને આપીશું. સંસદમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું સરકાર ખેડૂતોને વળતર આપશે તો કૃષિ મંત્રાલયે કહ્યું કે સરકાર પાસે તેનો કોઇ ડેટા નથી એટલા માટે કોઇ સવાલ પેદા થતો નથી. અમે તેના પર કામ કર્યું છે. 500 લોકોના નામ તો અમારી પાસે છે. અમારી પાસે એવા 403 લોકોની યાદી છે જેમને પંજાબ સરકારે પાંચ લાખ રૂપિયાનું વળતર આપ્યું છે અને 152 લોકોને નોકરી આપી છે. અમારી પાસે 100 એવા લોકોના નામ છે જેઓને અન્ય રાજ્યોએ વળતર આપ્યું છે. ત્રીજી એવી યાદી છે જે સાર્વજનિક સૂચનામાં છે અને સરળતાથી વેરિફાય કરી શકાય છે. પરંતુ સરકાર કહે છે કે એવી કોઇ યાદી છે જ નહીં.

