ગાંધીનગર, શુક્રવાર
ગુજરાત કોંગ્રેસના નવા સૂકાની તરીકે જગદીશ ઠાકોરની પસંદગી થતાં ગુજરાત કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. ૨૦૧૬માં કોંગ્રેસના તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામું આપ્યા બાદ માત્રને માત્ર કાર્યકર તરીકે રહેવાનું કહેનારા જગદીશ ઠાકોરની રાજકીય તાકાતને પારખીને દિલ્હી હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા છે. જગદીશ ઠાકોરે પાંચ વર્ષ બાદ જે રીતે પુનરાગમન કર્યું છે તે જાેઈને આ પંક્તિઓ અચૂક યાદ આવી જાય છે કે, કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ, એ મારી ઓટ જાેઈને કિનારે ઘર બનાવે છે. રાજકારણમાંથી જગદીશ ઠાકોરના નામનો એકડો નીકડી ગયો છે તેવું માનનારા તેમના રાજકીય વિરોધીઓ માટે જગદીશ ઠાકોર ફરીથી મેદાનમાં આવ્યા છે. કોંગ્રેસે ઓબીસી સમાજ અને આદિવાસી સમાજની મજબૂત વોટબેન્ક કબજે કરવા માટે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. ભાજપ પાટીદાર મતબેન્કને સાચવવા માટે પાટીદાર મુખ્યમંત્રી લાવ્યો હતો અને હવે કોંગ્રેસે પણ મજબૂત ઓબીસી મતબેન્કને કબજે કરવા માટે દાવ ખેલ્યો છે. વિધાનસભાની ૧૦૦થી વધારે બેઠકો ઉપર ઓબીસી સમાજનું પ્રભુત્વ છે અને તે સિવાય અંબાજીથી ઉંમરગામ સુધીના પટ્ટામાં આદિવાસીઓનું પ્રભુત્વ છે અને એ વોટબેન્ક કબજે કરવા માટે પણ વિપક્ષી નેતા પદે સુખરામ રાઠવાની પસંદગી કરાઈ છે.
જગદીશ ઠાકોર કોંગ્રેસના પાયાના કાર્યકર છે અને ભૂતકાળમાં તેઓએ અનેક હોદ્દાઓ ઉપર ફરજ બજાવી છે. બે ટર્મ માટે ધારાસભ્ય તેમજ સાંસદ પણ રહી ચૂક્યા છે. ૨૦૧૬માં કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી જ્યારે તેમણે રાજીનામું આપ્યું હતું ત્યારે કહ્યું હતું કે, તેઓ માત્ર કોંગ્રેસના કાર્યકર તરીકે કામ કરશે. પાંચ વર્ષના લાંબા સમય બાદ આખરે તેમની વાપસી થઈ છે અને વાપસી એવી ધમાકેદાર થઈ છે કે હાઈકમાન્ડે જૂથબંધીને નેવે મૂકીને જગદીશ ઠાકોરને પ્રમુખ બનાવ્યા છે. જગદીશ ઠાકોર પોતાના સમાજ ઉપર અન્ય સમાજાેમાં પણ મોખરાનું સ્થાન ધરાવે છે. બોલવામાં તીખા ઉપરાંત ફાયરબ્રાન્ડ નેતા તરીકે તેમની ગણના થાય છે. તેમના ભાષણ સાંભળવા માટે લોકો કલાકો સુધી બેસી પણ રહે છે. કોંગ્રેસે ઓબીસી સમાજને રિઝવવા માટે આ માસ્ટરસ્ટ્રોક માર્યો છે. ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની એવી ૧૦૦ જેટલી વિધાનસભાની બેઠકો છે કે જ્યાં ઓબીસી સમાજની બોલબાલા છે અને કોઈ પણ પક્ષની હાર કે જીતમાં ઓબીસી સમાજ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. આ સિવાય અંબાજીથી ઉમરગામના આદિવાસી પટ્ટાની અંદાજે ૩૨ જેટલી બેઠકો ઉપર પણ કબજાે જમાવવા કોંગ્રેસે આદિવાસી નેતાના નામ ઉપર દાવ ખેલ્યો છે. જગદીશ ઠાકોર બોલવામાં સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા છે. જગદીશ ઠાકોરના નામની જાહેરાત થતાં જ કોંગ્રેસના કાર્યકર્તામાં ખુશી જાેવા મળી હતી અને પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરોએ ફટાકડા ફોડ્યા હતા અને એકબીજાનું મોં મીઠું પણ કરાવ્યું હતું. ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ મજબૂત ટક્કર આપશે તે નક્કી થઈ ચૂક્યું છે.

