વાંકાનેર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં બ્રીચ ડિલિવરી બાદ ગંભીર હાલતમાં જન્મેલા નવજાત શિશુને 108 ઈમરજન્સી સેવાની ટીમે સમયસર સારવાર આપી રાજકોટ ખસેડતાં બાળકનો જીવ બચી ગયો છે.
મળતી વિગતો અનુસાર, મૂળ મધ્યપ્રદેશ (MP) ના વતની અને હાલ વાંકાનેરના વાંકિયા વાળી વિસ્તારમાં રહેતા ગોલીબેનને વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં બ્રીચ ડિલિવરી થઈ હતી. જન્મ બાદ નવજાત શિશુની તબિયત અત્યંત નાજુક જણાતા હોસ્પિટલના તબીબો દ્વારા તાત્કાલિક 108 સેવાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.
કોલ મળતાની સાથે જ 108 એમ્બ્યુલન્સના EMT હિતેશભાઈ ઝાપડા અને પાયલોટ રવિભાઈ દેવમોરારી ગણતરીની મિનિટોમાં હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. ત્યારબાદ નવજાતને એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરી ERCP ડૉ. તુષારના ઓનલાઈન માર્ગદર્શન હેઠળ તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સમાં શિશુને પ્રતિ મિનિટ 2 લિટરના દરે ઓક્સિજન (O2 Inhalation @ 2 L/min) આપવાની સાથે શ્વાસોશ્વાસ જાળવી રાખવા માટે BVM (બેગ-વાલ્વ-માસ્ક) સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો હતો.
દરેક ક્ષણ મહત્વની હોવાથી પાયલોટે કુશળતાપૂર્વક એમ્બ્યુલન્સ હંકારી ઓછા સમયમાં શિશુને વાંકાનેર સિવિલથી રાજકોટ સ્થિત જનાના હોસ્પિટલ ખાતે પહોંચાડ્યું હતું. સમયસર સઘન સારવાર મળતા નવજાતની સ્થિતિ સ્થિર થતા તેને નવજીવન મળ્યું હતું. આ સફળ કામગીરી બદલ પરિવારજનોએ ભાવુક થઈ 108 ટીમ અને તબીબી સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
