મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર લાલપર નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મકનસરથી મોરબી તરફ જઈ રહેલી રિક્ષાને પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ટ્રક ટ્રેલરે જોરદાર ટક્કર મારતા રિક્ષાના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષામાં સવાર અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
અકસમાતની મળતી વિગતો મુજબ મકનસર ગામે રહેતા પ્રેમજીભાઈ પંચાસરા રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે બપોરના સમયે તેઓ પોતાની રિક્ષા લઈને મકનસરથી મોરબી તરફ આવી રહ્યા હતા. દરમિયાન લાલપર નજીક પાછળથી આવી રહેલા ટ્રક ટ્રેલર નંબર RJ-50-GA-9777ના ચાલકે વાહન પૂરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.
ટ્રક ટ્રેલરની ટક્કરથી રિક્ષાચાલક પ્રેમજીભાઈને માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષામાં સવાર અશ્વિનભાઈ ગોહિલને ફ્રેક્ચર થયું હતું અને તેમના ભત્રીજા શક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
આ અકસ્માતમાં પિતાની છત્રછાયા ગુમાવનાર મૃતકના પુત્ર સતિષભાઈ પંચાસરા (રહે. મકનસર)એ ટ્રક ટ્રેલરના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી અકસ્માતના બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.


