શાળા-કોલેજોમાં બુધવારથી દિવાળી વેકેશન શરૂ થતાં મોરબી એસટી બસ સ્ટેશન પર મુસાફરોની અવરજવર વધવા લાગી છે.
દિવાળી પર્વમાં વતન આવતા અને પરત જતા મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને મોરબી એસટી વિભાગે વધારાની બસો દોડાવવાનું આયોજન કર્યું છે. દાહોદ જિલ્લામાં 4 અને સુરત તરફ 5 વધારાની બસો દોડાવવામાં આવશે. દાહોદ માટેની 4 બસ બુધવારથી શરૂ કરી દેવાઈ છે.
દિવાળી દરમિયાન દાહોદ, ગોધરા ઉપરાંત અમદાવાદ, વડોદરા અને સુરત જેવા શહેરોમાંથી મોરબી તરફ મુસાફરોની અવરજવર વધતી હોય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને એસટી વિભાગે વધારાની બસોની વ્યવસ્થા કરી છે.
મોરબી એસટી ડેપો મેનેજરના જણાવ્યા મુજબ, મુસાફરોની ભીડને ધ્યાને રાખીને અમદાવાદ, જામનગર, દ્વારકા અને રાજકોટ તરફ પણ ખાસ બસો ફાળવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તહેવારો દરમિયાન મુસાફરોને અવરજવરમાં સુવિધા મળી રહે તે માટે આ આયોજન કરાયું છે.

