HomeGujaratમોરબીમાં સાયબર ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ, રૂ. 7.26 કરોડના શંકાસ્પદ વ્યવહારો સાથે...

મોરબીમાં સાયબર ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ, રૂ. 7.26 કરોડના શંકાસ્પદ વ્યવહારો સાથે 5 ઝડપાયા

મોરબી સાયબર ક્રાઇમ પોલીસે “SAMANVAYA” અને “NCCRP” પોર્ટલ પરથી મળેલી માહિતીના આધારે કરોડો રૂપિયાની સાયબર ઠગાઈમાં સંડોવાયેલી ગેંગ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, ગેંગના મુખ્ય સૂત્રધાર ચેતન કિશોરભાઈ પલાણે મોરબીના આર્થિક રીતે જરૂરિયાતમંદ લોકોને થોડા કમિશનની લાલચ આપીને તેમના નામે આશરે 22 બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા. આ બેન્ક ખાતાઓનો ઉપયોગ વર્ષ 2023 થી 2025 દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં સાયબર ઠગાઈના નાણાંની હેરફેર માટે કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન કુલ રૂ. 7,26,20,266ના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

આ મામલે પોલીસે કુલ 11 શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બેન્ક ખાતાઓ ભાડે આપવા અને તેનો ઉપયોગ થવા દેવાના આરોપસર હિતેશ મોહનભાઈ પૈજા, ભાવેશ પ્રાણલાલ રામાવત, બળવંતભાઈ દેવશીભાઈ વામજા, પ્રકાશભાઈ નર્મદાશંકરભાઈ જોશી તથા અશ્વિનસિંહ દોલુભા ઝાલા મળી કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, આ ગેંગ વિરુદ્ધ દેશના વિવિધ ભાગોમાંથી આશરે 41 ઓનલાઈન સાયબર ફ્રોડ ફરિયાદો નોંધાયેલી છે. આ ફરિયાદો સાથે સંકળાયેલા રૂ. 1,34,53,796ની છેતરપિંડીની રકમ વિવિધ બેન્ક ખાતાઓ મારફતે ટ્રાન્સફર કરવામાં આવી હતી અને તેના આધારે આરોપીઓએ આર્થિક લાભ મેળવ્યો હતો.

બીજી તરફ, આ કેસના મુખ્ય આરોપીઓ ચેતનભાઈ કિશોરભાઈ પલાણ, રાજુભાઈ જોષી ઉર્ફે રાજુ બાબુભાઈ જોષી, ભરતભાઈ બારડ ઉર્ફે ભરત રાવળ, કીરણભાઈ કાંતીભાઈ પરમાર, કાંતીભાઈ તરશીભાઈ પરમાર અને સુરેશભાઈ કાંતીભાઈ પરમાર હજુ પોલીસ પકડથી દૂર છે. તેમને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ અને શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

મોરબી સાયબર ક્રાઇમ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે થોડા પૈસાના કમિશનની લાલચમાં પોતાના બેન્ક ખાતા, એટીએમ કાર્ડ કે બેન્કિંગ વિગતો અન્ય કોઈ વ્યક્તિને ન આપવી. તેમજ અજાણ્યા વ્યક્તિના ફોન કે મેસેજ પર OTP, પાસવર્ડ કે અંગત માહિતી શેર કરવી નહીં. નાની બેદરકારી પણ મોટી આર્થિક મુશ્કેલી ઊભી કરી શકે છે. સાયબર ગુનાઓથી બચવા માટે જાગૃતિ અને સાવચેતી જ સૌથી મોટું સુરક્ષા કવચ છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,700SubscribersSubscribe

TRENDING NOW