HomeGujaratટંકારાના વિરપર ગામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ નાટકમાં એક જ રાતમાં રૂ. 32...

ટંકારાના વિરપર ગામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ નાટકમાં એક જ રાતમાં રૂ. 32 લાખનું ભંડોળ એકત્ર

મોરબી: આધુનિક સમયમાં નાટ્યકલાનું મહત્વ ઘટતું જઈ રહ્યું છે, ત્યારે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વિરપર ગામના યુવાનોએ પરંપરાગત નાટ્યકલાને ગૌસેવાના ઉમદા હેતુ સાથે જોડીને અનોખી મિસાલ પૂરી પાડી છે. ગામના શ્રી ગૌ સેવા યુવક મંડળ દ્વારા સંચાલિત કામધેનુ ગૌ આશ્રમના નિભાવ માટે નવરાત્રી દરમિયાન નાટ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગ્રામજનો, દાતાઓ અને ઉદ્યોગપતિઓના સહયોગથી એક જ રાત્રિમાં અંદાજે રૂ. 32 લાખનું માતબર દાન એકત્રિત થયું હતું.

વિરપર ગામમાં કાર્યરત કામધેનુ ગૌ આશ્રમના સંચાલન માટે દર વર્ષે નવરાત્રી દરમિયાન નાટકો ભજવી ભંડોળ એકત્ર કરવાની પરંપરા જાળવવામાં આવે છે. આ વર્ષે પણ ઐતિહાસિક નાટક ‘વીર માગળા વાળો’ (ભૂત રોવે ભેકાર) અને હાસ્યરસથી ભરપૂર નાટક ‘ઘળાવગરનો ધણી’ રજૂ કરવામાં આવ્યા હતા. આ નાટકોની ખાસિયત એ રહી હતી કે તેમાં બહારથી કોઈ વ્યવસાયિક કલાકારોને બોલાવવામાં આવ્યા નહોતા, પરંતુ ગામના જ યુવાનોએ પોતાના રોજિંદા કામકાજની સાથે સમય કાઢીને એક મહિના સુધી મહેનતપૂર્વક રિહર્સલ કરી વિવિધ પાત્રોને જીવંત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, શ્રી ગૌ સેવા યુવક મંડળ દ્વારા સંચાલિત આ આશ્રમમાં હાલમાં આશરે 170 જેટલી અશક્ત, અપંગ, લૂલી-લંગડી અને નિરાધાર ગાયો સહિતના નાના-મોટા પશુઓને આશરો આપવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે ગૌશાળાના સંચાલકો કોઈની પાસે આર્થિક સહાય માટે હાથ લંબાવવાને બદલે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા જ ગૌશાળાના ખર્ચની વ્યવસ્થા કરે છે. નાટક નિહાળવા ઉપસ્થિત રહેલા ઉદ્યોગપતિઓથી લઈને સામાન્ય નાગરિકો સુધીના લોકોએ ગૌસેવાના કાર્યમાં ઉદારતાથી યોગદાન આપ્યું હતું. એકત્રિત થયેલી રૂ. 32 લાખની સમગ્ર રકમ ગાયોના ઘાસચારા, સારવાર અને ગૌ આશ્રમના દૈનિક નિભાવ પાછળ ખર્ચવામાં આવશે.

મોરબી જિલ્લાના અનેક ગામોમાં ગૌશાળાઓના નિભાવ માટે નાટકોના માધ્યમથી દાન એકત્ર કરવાની પરંપરા આજે પણ જીવંત છે. વિરપર ગામના યુવાનોએ નાટ્યકલા, સામાજિક જવાબદારી અને ગૌસેવાને એકસાથે જોડીને ગ્રામ્ય એકતા અને સેવાભાવનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,700SubscribersSubscribe

TRENDING NOW