શક્તિપીઠ પાવાગઢ ખાતે આસો નવરાત્રીના પ્રથમ નોરતે મહાકાળી માતાજીનાં દર્શન માટે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મોડી રાતથી જ માઈભક્તોનો પ્રવાહ ડુંગર તરફ શરૂ થઈ ગયો હતો. વહેલી સવારથી જ ‘જય માતાજી’ના નાદથી સમગ્ર પાવાગઢ ગુંજી ઉઠ્યું હતું. બપોર સુધીમાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાજીનાં ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું, જ્યારે રાત સુધીમાં દર્શનાર્થીઓની સંખ્યા ત્રણ લાખને પાર પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
સવારે 5 વાગ્યે આરતી બાદ મંદિરનાં દ્વાર ખુલ્યાં
ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રથમ નોરતે સવારે 5 વાગ્યે માતાજીની આરતી બાદ નિજ મંદિરનાં દ્વાર દર્શન માટે ખોલવામાં આવ્યાં હતાં. જ્યારે શ્રદ્ધાળુઓની સુવિધા માટે રોપવે સેવા વહેલી સવારે 4 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવી હતી. નવરાત્રી દરમિયાન ખાનગી વાહનો પર પ્રતિબંધ હોવાથી એસટી વિભાગ દ્વારા 60 બસો દોડાવી યાત્રાળુઓને પરિવહનની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. આસો નવરાત્રીના પર્વ સાથે રવિવારની રજા હોવાથી પાવાગઢમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
નવરાત્રીના પ્રથમ દિવસે લાખો શ્રદ્ધાળુઓના આગમનને પગલે તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હોવા છતાં પાવાગઢ ડુંગર પર પીવાના પાણીની સમસ્યા સામે આવી હતી. પાણી માટે ઊભા કરાયેલા પોઇન્ટ પર અછત સર્જાતાં યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાણીની પૂરતી ઉપલબ્ધતા ન હોવાથી કેટલાક ભક્તોને પાણીની બોટલ માટે બમણા ભાવ ચૂકવવાની ફરજ પડી હોવાની ફરિયાદો પણ સામે આવી હતી.
ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી ભક્તો દર્શને પહોંચ્યા
આસો નવરાત્રીના પ્રથમ નોરતે ગુજરાતના વિવિધ વિસ્તારો ઉપરાંત આસપાસનાં રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં માઈભક્તો મહાકાળી માતાજીનાં દર્શન માટે પાવાગઢ પહોંચ્યા હતા. દર્શન માટે લાંબી કતારો જોવા મળી હોવા છતાં શ્રદ્ધાળુઓ ધીરજ અને શિસ્ત સાથે પોતાના વારાની રાહ જોતા નજરે પડ્યા હતા. ભક્તોના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું.

