વાંકાનેર તાલુકાના નવા ઢુવા ચોકી પાસે ભવાની હોટેલની બાજુમાં આવેલા ‘ઓમ સાંઈ સ્પા’માં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતાં નિયમોના ઉલ્લંઘનનો મામલો સામે આવ્યો છે. સ્પામાં કામ કરતા વર્કરોના બાયોડેટા ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવામાં આવી ન હોવાનું તેમજ CCTV કેમેરાના રેકોર્ડિંગ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા નિયમોનું પાલન ન કરાયું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકા પોલીસની પેટ્રોલિંગ ટીમે તપાસ દરમિયાન સ્પાના સંચાલક જીગાભાઈ રામજીભાઈ ડાભી દ્વારા સ્પામાં કામ કરતા કર્મચારીઓની જરૂરી વિગતોની નોંધણી ન કરાવાઈ હોવાનું જણાયું હતું. આ ઉપરાંત CCTV કેમેરાના રેકોર્ડિંગનો ડેટા જાળવી રાખવા અંગેના જાહેરનામાનું પણ ઉલ્લંઘન થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
આ મામલે પોલીસે જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 223 હેઠળ સ્પા સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

