વાંકાનેર શહેરના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધે સમાજના સ્મશાનમાં ચાલતી કથિત ગેરપ્રવૃત્તિઓ અને દારૂ પીવાની પ્રવૃત્તિનો વિરોધ કરતાં તેમને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો છે. આ ત્રાસથી કંટાળીને વૃદ્ધે એસિડ પી લેતા બનાવને પગલે ચકચાર મચી ગઈ છે.
આ મામલે મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતા મહેશભાઈ અનિલભાઈ રાઠોડ (ઉં.વ. 26)એ મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેમના મામા દેવજીભાઈ હરિભાઈ ચાવડા સમાજના સ્મશાનમાં કેટલાક શખ્સો દ્વારા કરવામાં આવતી કથિત ગેરપ્રવૃત્તિઓ તથા દારૂ પીવાની બાબતનો વિરોધ કરતા હતા.
આ બાબતે પ્રકાશ ઉર્ફે પકા દલા, અજીત મકવાણા, મનોજ માહાલીયા સહિત બે-ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા દેવજીભાઈને મારામારી કરી તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. સતત ત્રાસથી કંટાળીને દેવજીભાઈએ એસિડ પી લીધું હોવાનું જણાવાયું છે.
ફરિયાદ મુજબ એસિડ પીતા પહેલાં દેવજીભાઈએ મોબાઇલમાં વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં તેમણે પ્રકાશ ઉર્ફે પકા દલા, અજીત મકવાણા, મનોજ માહાલીયા સહિત અન્ય અજાણ્યા શખ્સોના નામ લઈ માનસિક ત્રાસ આપીને મરવા માટે મજબૂર કર્યાનો આક્ષેપ કર્યો હતો. સમગ્ર મામલે મોરબી સિટી બી-ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

