મોરબીમાં ભાજપના આગેવાન અને મોરબી મહાનગરપાલિકાના વોર્ડ ન. 8 ના મહિલા કાઉન્સિલરના પતિ શૈલેષ માકાસણા સામે એક પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા મામલો ચર્ચામાં આવ્યો છે. ફરિયાદના આધારે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
ફરિયાદમાં પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે, વર્ષ 2020 દરમિયાન તેના પતિની સારવાર માટે તેણે શૈલેષ માકાસણાની પત્ની પાસેથી નાણાં ઉછીના લીધા હતા. આ નાણાકીય લેવડદેવડના સંદર્ભમાં શૈલેષ માકાસણાએ તેને પોતાના રહેણાંક ફ્લેટમાં બોલાવી બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારબાદ પરિણીતા ગર્ભવતી બની હતી. આરોપીએ બાળકની જવાબદારી લેવાની વાત કરી મામલો બહાર ન આવે તેવો પ્રયાસ કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુમાં, ઓમ વિલા બંગલા ખાતે બોલાવી ફરીથી બળજબરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ફરિયાદમાં વિગતો આપવામાં આવી છે.
પરિણીતાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, સમગ્ર ઘટનાની જાણ કોઈને કરાશે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આશરે પાંચ વર્ષ બાદ બાળક અંગે પરિવારજનોને જાણ થતાં તેમણે હિંમત આપ્યા પછી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે શૈલેષ માકાસણા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તેમની ધરપકડ માટે તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આ દરમિયાન, ઓમ વિલા બંગલા ખાતે અગાઉ પોલીસ દ્વારા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હોવાનો પણ ઉલ્લેખ સામે આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન શૈલેષ માકાસણા સ્થળ પર હાજર ન હોવાનું જાણવા મળ્યું હતું.

