મોરબીના જૂના બસ સ્ટેશન પર છેલ્લા કેટલાક કલાકોથી એકલી બેઠેલી અને ગભરાયેલી હાલતમાં જોવા મળેલી બે કિશોરીઓ અંગે જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇનને જાણ કરી હતી. કિશોરીઓ પોતાનું સરનામું કે અન્ય વિગતો યોગ્ય રીતે જણાવી શકતી ન હોવાથી 181 અભયમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
માહિતી મળતાં 181 ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ શારદાબેન તથા પાયલોટ વિરમભાઈ જીડ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં હાજર લોકોએ બંને કિશોરીઓને સુરક્ષિત જગ્યાએ બેસાડેલી હતી. ટીમે સૌપ્રથમ બંનેને સાંત્વના આપી વિશ્વાસમાં લીધા બાદ સંવેદનશીલ રીતે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
કાઉન્સેલિંગ દરમિયાન એક કિશોરીએ પરિવારની પરિસ્થિતિ અંગે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. કિશોરીના જણાવ્યા મુજબ, તેની માતાના બીજા લગ્ન થયા હતા અને પરિવાર સાથે મોરબીની ટાઇલ્સ કંપનીમાં રહે છે. ઘરમાં પિતાના નશાની આદત, મારઝૂડ, અપશબ્દો અને માનસિક ત્રાસ સહિતની સમસ્યાઓથી કંટાળીને બંને બહેનોએ સવારે રસોઈ બનાવ્યા બાદ પરિવારને જાણ કર્યા વિના ઘર છોડી દીધું હતું.
કિશોરીઓને પિતાનો મોબાઇલ નંબર તેમજ કંપનીનું ચોક્કસ સરનામું પણ યાદ ન હોવાથી શરૂઆતમાં પરિવારનો સંપર્ક કરવામાં મુશ્કેલી પડી હતી. જોકે, 181 ટીમે વિવિધ પ્રયાસો બાદ કિશોરીના પિતાનો સંપર્ક નંબર મેળવ્યો હતો. પરિવાર સાથે વાતચીત અને જરૂરી આધાર પુરાવાની ચકાસણી કર્યા બાદ ટીમ કિશોરીઓના પરિવાર સુધી પહોંચી હતી.
પરિવારે જણાવ્યું હતું કે સવારે નાની બાબતે થયેલા ઝઘડા બાદ બંને દીકરીઓ કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી. પરિવારજનોએ તેમની શોધખોળ કરવા છતાં તેઓ મળી આવી નહોતી.
181 અભયમ ટીમે પરિવારને કાયદાકીય જોગવાઈઓ અંગે માહિતી આપી હતી. સાથે જ કિશોરીઓ સાથે મારઝૂડ કે અયોગ્ય વર્તન ન કરવા, તેમને માનસિક ત્રાસ ન આપવા અને તેમના શિક્ષણ તથા સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવા અંગે જરૂરી માર્ગદર્શન અને સમજ આપવામાં આવી હતી.
અંતે બંને કિશોરીઓએ પરિવાર સાથે રહેવાની અને ભવિષ્યમાં કોઈને જાણ કર્યા વિના ઘર છોડીને નહીં જવાની ખાતરી આપી હતી. ત્યારબાદ 181 અભયમ ટીમે બંને કિશોરીઓને સલામત રીતે તેમના પરિવારને સોંપી હતી. દીકરીઓને સુરક્ષિત રીતે પરત મેળવવામાં મદદ કરવા બદલ પરિવારજનોએ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

