મોરબી સિટી એ ડિવિઝન પોલીસે “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત સરાહનીય કામગીરી કરી છે. પોલીસ દ્વારા CEIR પોર્ટલ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી કુલ 36 ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા છે. આ મોબાઈલની કુલ કિંમત રૂ.10.31 લાખ જેટલી થાય છે.
આ ઉપરાંત સીએનજી રિક્ષામાં ભૂલથી રહી ગયેલી રૂ.96 હજારની રોકડ રકમ પણ પોલીસ ટીમે પરત મેળવી હતી. આમ, પોલીસે કુલ રૂ.11.27 લાખનો મુદ્દામાલ સુરક્ષિત રીતે અરજદારોને પરત સોંપ્યો છે. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજા અને પીએસઆઈ જે.સી. ગોહીલના સુપરવિઝન હેઠળ સર્વેલન્સ ટીમે ગુમ થયેલા મોબાઈલ અને રોકડની શોધખોળ શરૂ કરી હતી.
સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજા અને રવીભાઈ ધરમશીભાઈ પટેલે CEIR પોર્ટલ પર જરૂરી એન્ટ્રી કરી સતત મોનિટરિંગ હાથ ધર્યું હતું. ટેક્નિકલ વર્કઆઉટ અને CCTV કેમેરાની મદદથી ગુમ થયેલા મોબાઈલ તથા રિક્ષામાં ભૂલથી રહી ગયેલી રોકડ રકમ શોધી કાઢવામાં સફળતા મળી હતી. પોલીસની આ કામગીરીથી અરજદારોને તેમનો ગુમ થયેલો કિંમતી સામાન પરત મળ્યો છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આ કામગીરી દ્વારા “પોલીસ પ્રજાની મિત્ર છે” ના સૂત્રને સાર્થક કર્યું છે.

