રાજકોટના બેડી ગામથી હડમતીયા તરફ આવેલા વીડીવાળા પીરની દરગાહ નજીક તળાવમાં ડૂબી જવાની કરૂણ ઘટના બની છે. જન્મદિવસની ઉજવણી માટે પરિવારજનો અને બાળકો દરગાહે દર્શન તથા જમવા માટે ગયા હતા, ત્યારે તળાવમાં ન્હાવા પડેલા એક બાળકને બચાવવાના પ્રયાસમાં ત્રણ બાળકો સહિત ચાર લોકોના મોત નીપજ્યા હતા.
મળતી માહિતી મુજબ રોણકી ગામના સાજીદ સોરાના પુત્ર સોહાનનો જન્મદિવસ હોવાથી પરિવારજનો અને સંબંધીઓ બાળકો સાથે વીડીવાળા પીરની દરગાહે ગયા હતા. બપોરના સમયે ૬ વર્ષનો સેફુ સોરા તળાવમાં ન્હાવા પડ્યો હતો. દરમિયાન તે તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. સેફુને ડૂબતો જોઈ ૨૦ વર્ષીય સાહિલ સોરા તેને બચાવવા માટે તળાવમાં કૂદી પડ્યો હતો. આ દરમિયાન ૭ વર્ષની અલીફા તથા સેફુનો ૧૧ વર્ષીય ભાઈ સોહાન પણ તળાવમાં ઉતરી પડ્યા હતા. જોકે, ચારેય ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા.
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ચારેયને તળાવમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. સાહિલને રાજકોટ સિવિલ હોસ્પિટલ જ્યારે અન્ય ત્રણ બાળકોને ઝનાના હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે, તબીબોએ ચારેયને મૃત જાહેર કર્યા હતા. એક જ ઘટનામાં ચાર લોકોના મોતથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. ખાસ કરીને બે પુત્રોના મોતના સમાચારથી પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો. હોસ્પિટલ પરિસરમાં પરિવારજનો અને સંબંધીઓના કરૂણ રુદનથી ગમગીની છવાઈ ગઈ હતી.
મૃતકના સંબંધી રિયાઝે જણાવ્યું હતું કે, એક બાળક ન્હાવા માટે તળાવમાં ગયો હતો અને તે ડૂબવા લાગતા તેને બચાવવા માટે તેનો નાનો ભાઈ પાણીમાં ઉતર્યો હતો. ત્યારબાદ અન્ય બે બાળકો પણ પાણીમાં પડ્યા હતા અને ચારેય ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
આ અંગે એસીપી ભાવેશ જાધવે જણાવ્યું હતું કે, રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વીડી પીરની દરગાહ નજીક તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકો અને એક યુવકના મોતની ઘટના બની છે. જ્યારે રાજકોટ તાલુકા પંચાયત સભ્ય ભરત ડાભીના જણાવ્યા મુજબ, રોણકી ગામના સાજીદભાઈ સોરાના પુત્ર સોહાનના જન્મદિવસ પ્રસંગે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાને પગલે રોણકી અને બેડી ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

