મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં બિલાલી મસ્જિદ પાસે સામું જોવા જેવી નજીવી બાબતે એક યુવક સાથે મારામારી થયાની ઘટના સામે આવી છે. બનાવ અંગે ત્રણ શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, વીસીપરા વિસ્તારમાં રહેતા નિઝામભાઈ જુસબભાઈ માણેક (ઉં.વ.22) બિલાલી મસ્જિદ પાસે ઉભા હતા ત્યારે આરોપી જયેશ અગેચાણીયા (રહે. અમરેલી રોડ, મોરબી) સહિત બે અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા. આ દરમિયાન નિઝામભાઈએ જયેશ તરફ સામું જોતા આરોપીએ ‘સામું શું કામ જુએ છે?’ કહી ઉગ્ર બોલાચાલી કરી હતી.
બાદમાં આરોપીએ ગાળો આપી ઈંટ વડે નિઝામભાઈના માથાના ભાગે હુમલો કર્યો હતો. તેમજ અન્ય શખ્સોએ પણ ઢીકાપાટુનો માર માર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પણ જણાવાયું છે. આ અંગેની ફરિયાદના આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

