મોરબીમાં સાસરિયાઓના કથિત શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને એક પરણિતાએ એસિડ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ બનાવ બાદ પરણિતાના પિતાએ પતિ, સાસુ, સસરા અને બે નણંદ સહિત કુલ પાંચ આરોપીઓ સામે મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામના રહેવાસી નટવરલાલ દેવશીભાઈ ચોથાણીએ પોતાની પુત્રી પૂજાબેનના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર પૂજાબેનના પતિ મંથનભાઈ જીતેન્દ્રભાઈ ઘેટીયા, નણંદ અવંતિકાબેન અને જિજ્ઞાસાબેન, તેમજ સાસુ રમાબેન અને સસરા જીતેન્દ્રભાઈ દ્વારા વારંવાર ઘરકામ અને પ્રસંગોમાં જવા જેવી બાબતોને લઈને મેણાટોણા મારી અપમાનિત કરવામાં આવતી હતી.
ફરિયાદમાં વધુ આક્ષેપ કરવામાં આવ્યો છે કે પતિ મંથનભાઈએ “તું અમને જોઈતી નથી, તને રાખવી નથી” જેવા અપમાનજનક શબ્દો કહી માનસિક ત્રાસ આપ્યો હતો અને મારપીટ પણ કરી હતી. જ્યારે અવંતિકાબેન દ્વારા પણ ઘરકામના મુદ્દે અપશબ્દો બોલી મારપીટ કરવામાં આવી હોવાનો આરોપ છે. ઉપરાંત અન્ય સાસરિયાઓ દ્વારા પણ વારંવાર બોલાચાલી અને અપમાનજનક વર્તન કરવામાં આવતું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આરોપીઓના સતત કથિત ત્રાસથી કંટાળીને પૂજાબેને એસિડ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે મોરબી મહિલા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેસની વધુ તપાસ ચાલી રહી છે.

