મોરબી તાલુકાના પીપળી ગામમાં રહેતી એક સગર્ભા પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, પીપળી ગામે રહેતી અને ઘરકામ કરતી હિનાબેન પ્રદીપભાઈ ડાભી (ઉ.વ. 26)એ તેમના પતિ પ્રદીપભાઈ ગાંડાભાઈ ડાભી, સાસુ દેવુબેન, સસરા ગાંડાભાઈ, જેઠાણી હેમુબેન તેમજ નણંદ મીનાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ અનુસાર, સાસરિયાઓ દ્વારા પરિણીતાને અવારનવાર ઘરકામ તેમજ કરિયાવર બાબતે મેણાં-ટોણાં મારવામાં આવતા હતા અને “તું પિયરથી કંઈ લાવેલી નથી” તેમ કહી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ઉપરાંત, ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે તેમના પતિને અન્ય એક સ્ત્રી સાથે સંબંધ હોવાના કારણે તેઓ પરિણીતાને “અમને તારી જરૂર નથી, તને રાખવી નથી” તેમ કહી સતત અપમાનિત કરતા હતા.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આ મુદ્દે પતિ પ્રદીપભાઈએ પરિણીતાને ઝાપટ મારી અને ધક્કો મારી ઘરમાંથી કાઢી મુકતા તેણીને ભારે માનસિક આઘાત પહોંચ્યો હતો. જેના કારણે પરિણીતાએ ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે મોરબી મહિલા પોલીસે ફરિયાદના આધારે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

