મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે શહેરમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે કાર્યવાહી હાથ ધરી એસ.પી. રોડ અને લીલાપર કેનાલ રોડ વિસ્તારમાં દરોડા પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. જ્યારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલ અન્ય એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એસ.પી. રોડના ખૂણા પાસે એક વ્યક્તિ વિદેશી દારૂ સાથે હાજર છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ખડીયાવાસ, જેલ રોડ ખાતે રહેતા રણજીતભાઈ નારણભાઈ સંધાર (ઉ.વ. 27)ને ઝડપી પાડ્યો હતો.
તપાસ દરમિયાન તેના પાસેથી ‘બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કી’ની 750 એમએલની સીલબંધ બોટલ, કિંમત રૂ. 1,777, કબજે કરવામાં આવી હતી.
પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે પોતાના સાથી અરવિંદ દાદુભાઈ ભાટી (રહે. વજેપર, શેરી નં. 4, મોરબી) સાથે મળી લીલાપર કેનાલ રોડ પર સુદર્શન સોસાયટી નજીક આવેલા કોમ્પ્લેક્સમાં એક દુકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે.
આ માહિતીના આધારે પોલીસે દર્શના ટેઇલર્સ ઉપર આવેલી દુકાનમાં તપાસ હાથ ધરી હતી. જ્યાંથી વિદેશી દારૂની 13 બોટલો અને વિવિધ બ્રાન્ડની 109 નંગ ચપટીઓ સહિત કુલ રૂ. 41,052નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
બનાવ સમયે અરવિંદ ભાટી સ્થળ પર હાજર ન મળતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે. સમગ્ર મામલે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

