મોરબી ફાયર કંટ્રોલ રૂમને સાંજના આશરે 8 વાગ્યે માહિતી મળી હતી કે, માળીયા હાઈવે પર લક્ષ્મીનગર નજીક પાર્કિંગમાં ઉભેલા એક એલપીજી ટેન્કરના કેબિનમાં અચાનક આગ ભભૂકી ઊઠી છે.
બનાવની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગની સતર્ક અને ઝડપી કામગીરીના કારણે ટૂંકા સમયમાં જ આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી હતી. સદનસીબે આગગ્રસ્ત એલપીજી ટેન્કર ખાલી હાલતમાં હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહોતી અને સંભવિત જાનમાલનું નુકસાન ટળી ગયું હતું.
પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ કે વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું નથી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

