મોરબી તાલુકાના ઘૂટું ગામ નજીક આવેલી ગૌશાળાના ખુલ્લા કમ્પાઉન્ડમાં સ્થાપિત ઇન્ડસ કંપનીના મોબાઇલ ટાવરમાંથી અજાણ્યા શખ્સે કિંમતી કેબલ અને અન્ય સાધનોની ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ ફરિયાદ મુજબ, મોડપર ગામના વતની અને હાલ મોરબીના વાવડી રોડ સ્થિત ગાયત્રીનગરમાં રહેતા રવિરાજસિંહ ઓમકારસિંહ જાડેજા, જે ઇન્ડસ મોબાઇલ ટાવર કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે, તેમના સંચાલન હેઠળ ઘૂટું ગૌશાળા ખાતે ઇન્ડસ કંપનીનો મોબાઇલ ટાવર (આઈ.ડી. નં. 1321093, જીટી-5287) આવેલો છે.
ફરિયાદ અનુસાર, મોડી રાત્રિના સમયે કોઈ અજાણ્યો ચોર ટાવરના કમ્પાઉન્ડમાં ઘુસી ગયો હતો અને ટાવર પર ચડી એરટેલ કંપનીના એન્ટેના સાથે જોડાયેલા કાર્ડના કેબલ, જમ્પર સહિતના સાધનો ઉતારી લઈ ગયો હતો. ચોરી ગયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ. 83,613 હોવાનું જણાવાયું છે.
આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

