મોરબી તાલુકાના થોરાળા ગામ નજીક આવેલી એક ગેસ એજન્સીના બંધ ગોડાઉનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ ફિલ્મી ઢબે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ગોડાઉનના મુખ્ય દરવાજાનું મજબૂત તાળું તોડવામાં નિષ્ફળ ગયેલા ચોરોએ આખો દરવાજો જ હૂકમાંથી બહાર કાઢી ખસેડી નાખ્યો હતો. આ શાતિર તસ્કરો ગોડાઉનમાંથી રૂ. ૯૯,૦૦૦ ની કિંમતના ઇન્ડેન ગેસના ભરેલા ૩૦ બાટલાની ચોરી કરી નાસી છૂટ્યા છે. આ ચકચારી ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ થોરાળા ગામના વતની અને હાલ મોરબી શહેરના શનાળા રોડ પર આવેલી રામનગર સોસાયટીમાં રહેતા રજનીકાંતભાઈ લાલજીભાઈ મેરજા નામના વેપારીનું થોરાળા ગામના પાટીયા પાસે ‘ફ્રીડમ ગેસ એજન્સી’ નામે ઇન્ડેન એલ.પી.જી. ગેસનું ગોડાઉન આવેલ હોય. મોડી રાત્રિના અંધારાનો લાભ લઈ અજાણ્યા ચોર ઇસમોએ આ બંધ ગોડાઉનને નિશાન બનાવ્યું હતું. શરૂઆતમાં તસ્કરોએ ગોડાઉનના લોખંડી દરવાજાનું તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તાળું મજબૂત હોવાથી તે તૂટ્યું નહોતું. જેથી ચોરોએ અનોખી તરકીબ અજમાવી આખો દરવાજો જ હૂકમાંથી ખોલીને એકબાજુ ખસેડી નાખ્યો હતો અને ગોડાઉનમાં ગુનાહિત પ્રવેશ કર્યો હતો.
ગોડાઉનની અંદર પ્રવેશેલા ચોરો ત્યાં સ્ટોકમાં રાખેલા ઇન્ડેન ગેસના ભરેલા રૂ.99 હજારની કિંમતની 30 બોટલની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. સમગ્ર મામલે ગેસ એજન્સીના સંચાલક રજનીકાંતભાઈ મેરજાએ અજાણ્યા ચોર ઇસમ વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે બીએનએસની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી, તસ્કરોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે.

