મોરબી તાલુકાના થોરાળા ગામ નજીક આવેલા ફ્રીડમ ગેસ એજન્સીના ગોડાઉનમાં તસ્કરોએ ફિલ્મી ઢબે ચોરીને અંજામ આપતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગોડાઉનના મુખ્ય દરવાજાનું તાળું તોડવામાં નિષ્ફળ રહેલા ચોરોએ આખો દરવાજો જ હૂકમાંથી કાઢી અંદર પ્રવેશ કર્યો હતો અને રૂ. 99 હજારની કિંમતના ઇન્ડેન ગેસના 30 ભરેલા સિલિન્ડર ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
પોલીસ ફરિયાદ મુજબ થોરાળા ગામના વતની અને હાલ મોરબી શહેરના શનાળા રોડ સ્થિત રામનગર સોસાયટીમાં રહેતા વેપારી રજનીકાંતભાઈ લાલજીભાઈ મેરજાની માલિકીના ફ્રીડમ ગેસ એજન્સીના ગોડાઉનને અજાણ્યા શખ્સોએ નિશાન બનાવ્યું હતું. મોડી રાત્રિના સમયે તસ્કરો ગોડાઉન સુધી પહોંચ્યા હતા અને દરવાજાનું તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તાળું ન તૂટતાં તેઓએ દરવાજાને હૂકમાંથી બહાર કાઢી ગોડાઉનમાં પ્રવેશ મેળવ્યો હતો.
ગોડાઉનની અંદર સ્ટોકમાં રાખવામાં આવેલા ઇન્ડેન કંપનીના 30 ભરેલા ગેસ સિલિન્ડરોની ચોરી કરવામાં આવી હતી. ચોરી થયેલા સિલિન્ડરોની કુલ કિંમત રૂ. 99,000 હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી ઘટનાસ્થળની તપાસ હાથ ધરી છે તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

