ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબેન દુબરિયા, તાલુકા પંચાયત પ્રમુખ દિવ્યેશભાઈ નમેરા સહિત આગેવાનો, શિક્ષણવિદો, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર બાળકોનું અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને “ભગવદ્ ગીતા” થીમ પર આધારિત રાખવામાં આવ્યો હતો. બાલવાટિકાના શિક્ષિકા ગીતાબેન સાંચલાએ જણાવ્યું હતું કે, બાલવાટિકા બાળકના શૈક્ષણિક જીવનનો પાયો છે. શરૂઆતથી જ બાળકોમાં ધાર્મિક અને નૈતિક મૂલ્યોનું સિંચન થાય તે હેતુસર આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
બાળકોને સફેદ રંગના ટી-શર્ટ પહેરાવવામાં આવ્યા હતા, જેમાં ભગવદ્ ગીતાના 18 અધ્યાયોમાંથી વિવિધ શ્લોકો અંકિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ટી-શર્ટની પાછળ “ૐ નમો ભગવતે વાસુદેવાય” મંત્ર પણ લખવામાં આવ્યો હતો. બાળકોને કુમકુમ તિલક કરી તેમજ શૈક્ષણિક કિટ અર્પણ કરીને શાળામાં પ્રવેશ અપાયો હતો.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો, શાળાના આચાર્ય, વાલીઓ અને સ્ટાફ સભ્યોએ આ નવતર અને સંસ્કારલક્ષી પહેલની પ્રશંસા કરી હતી તેમજ નવા વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.


