મોરબીની યદુનંદન સોસાયટીમાં રહેતા અને બોલેરો વાહન ચલાવી પરિવારનું ભરણપોષણ કરતા વાસુરભાઈ સામતભાઈ સોઢીયા (ઉંમર 50 વર્ષ)એ મોરબી તાલુકા પોલીસ મથકમાં પોતાના મોટા ભાઈ મગનભાઈ સામતભાઈ સોઢીયા તેમજ રાજન મગનભાઈ સોઢીયા (બંને રહે. વિધુતનગર, સર્કિટ હાઉસ સામે, મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી અને આરોપી મગનભાઈના નામે વિધુતનગર વિસ્તારમાં એક મકાન આવેલું છે. આ મકાન પોતાના નામે કરી આપવા અંગે મગનભાઈએ વાત કરતા ફરિયાદીએ ઇનકાર કર્યો હતો. જેથી ઉશ્કેરાયેલા મગનભાઈએ ફરિયાદીને અપશબ્દો બોલી એક લાફો માર્યો હતો. ત્યારબાદ બંને આરોપીઓએ ફરિયાદીને બળજબરીપૂર્વક મોટરસાયકલ પર બેસાડી તેનું અપહરણ કરી જાંબુડીયા બ્રિજ નજીકથી કોરલ ગોલ્ડ કારખાના પાસે આવેલી એકાંત જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં પડેલા લાકડાના ધોકાથી બંને આરોપીઓએ વારાફરતી ફરિયાદીના પગના ભાગે માર માર્યો હતો, જેના કારણે તેમને મુંઢ ઈજાઓ પહોંચી હતી.
આ અંગે ફરિયાદ નોંધાતા મોરબી તાલુકા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

