મોરબીના ખાનપર ગામના રહેવાસી અને બોરવેલ વ્યવસાય સાથે સંકળાયેલા પારસભાઈ રમેશભાઈ રૈયાણી (ઉંમર 32 વર્ષ)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, કોયલી ગામના પરબતભાઈ સવજીભાઈ રબારી અને ટંકારા તાલુકાના ગજડી ગામના નિકુંજ ઉર્ફે નિતીનભાઈ વાસીયાંભાઈ જારીયાએ તેમને નાણાકીય જરૂરિયાત દરમિયાન અલગ-અલગ સમયે માસિક 30 ટકા જેટલા ઊંચા વ્યાજે ધિરાણ આપ્યું હતું.
આ રકમ સામે આરોપીઓએ સુરક્ષા તરીકે ફરિયાદી પાસેથી સહી કરાવેલા કોરા બેંક ચેક તેમજ હાથ ઉછીનાના લખાણો મેળવી લીધા હતા. ફરિયાદી દ્વારા પરબતભાઈ પાસેથી રૂ. 4 લાખ અને નિકુંજ ઉર્ફે નિતીનભાઈ પાસેથી રૂ. 1.50 લાખ ઉછીના લેવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરિયાદીએ પરબતભાઈને વ્યાજ પેટે રૂ. 8.40 લાખ તથા નિકુંજને રૂ. 1.35 લાખ ચૂકવી દીધા હોવા છતાં આરોપીઓ વધુ રકમની માંગણી કરતા રહ્યા હતા.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, આરોપીઓએ વારંવાર દબાણ કરીને વધુ પૈસા વસૂલવાનો પ્રયાસ કર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ઉપરાંત, અગાઉ લેવાયેલા કોરા ચેકનો દુરુપયોગ કરીને ચેક રિટર્નના કેસ કોર્ટમાં દાખલ કરવાની ધમકી આપી નોટિસો મોકલી ફરિયાદીને માનસિક હેરાનગતિ પહોંચાડી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

