ચોમાસાની ઋતુ પૂર્વે શહેરના માર્ગો અને વિકાસ કાર્યોની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણીએ આજે વહેલી સવારે લાતી પ્લોટ વિસ્તારમાં અચાનક મુલાકાત લીધી હતી. મેયરની આ મુલાકાત દરમિયાન તેઓ એક્શન મોડમાં જોવા મળ્યા હતા અને સ્થળ પર ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. આ નિરીક્ષણ દરમિયાન ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પંડસુંબીયા તેમજ દંડક જયેશભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મેયરે વિસ્તારના મુખ્ય તેમજ આંતરિક માર્ગોની હાલની સ્થિતિનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. સાથે જ ચાલી રહેલા રોડ નિર્માણ અને મરામત કાર્યો અંગે અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી અને કામગીરીની ગુણવત્તા અંગે પણ માહિતી મેળવી હતી. ચોમાસા પહેલાં તમામ માર્ગોના કામો પૂર્ણ થઈ જાય અને નાગરિકોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે મેયરે મહાનગરપાલિકાના અધિકારીઓ અને સંબંધિત કોન્ટ્રાક્ટરોને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, નિર્ધારિત સમયમર્યાદામાં ગુણવત્તાયુક્ત કામગીરી પૂર્ણ કરવી જરૂરી છે અને કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. મેયર ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે, “શહેરના નાગરિકોને શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી અને વિકાસ કાર્યોને સમયસર પૂર્ણ કરાવવું અમારી પ્રથમ જવાબદારી છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મોરબી મહાનગરપાલિકા શહેરના વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે પ્રતિબદ્ધ છે અને આગામી દિવસોમાં પણ વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ વિઝિટ કરીને વિકાસ કાર્યોનું સતત મોનિટરિંગ કરવામાં આવશે.

