વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અંદાજે રૂ. 2 કરોડના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે સંકળાયેલા ગુનામાં લાંબા સમયથી ફરાર રહેલા અને અગાઉ હત્યા, હત્યાના પ્રયાસ, મારામારી તેમજ પ્રોહિબિશન સહિતના કુલ 19 ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત આરોપીને રાજકોટ રેન્જ પોલીસે ઝડપી પાડ્યો છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)ના માર્ગદર્શન હેઠળ વિવિધ જિલ્લાઓમાં ગુના આચરીને ફરાર થયેલા આરોપીઓને શોધી કાઢવા માટે રાજકોટ રેન્જ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી, બી.સી. મીયાત્રા, સી.એમ. કાંટેલીયા અને તેમની ટીમ દ્વારા હ્યુમન સોર્સ તથા ટેકનિકલ વિશ્લેષણના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઈ બાંભણિયાને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે લાલા રઘુવંશી હોટલ નજીક જાહેર રોડ પરથી ઝડપી પાડ્યો હતો. આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ચોટીલા પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ અગાઉ હત્યા, હત્યાના પ્રયાસ, મારામારી અને પ્રોહિબિશન સહિતના કુલ 19 ગુનાઓ નોંધાયેલા છે.
આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી, બી.સી. મીયાત્રા, સી.એમ. કાંટેલીયા, પી.સી. સરતેજા તેમજ સ્ટાફના સંદીપસિંહ ઝાલા, કાસમભાઈ બ્લોચ, કમલેશભાઈ રબારી, મીતેશભાઈ પટેલ, નરેન્દ્રસિંહ રાઠોડ, આશાબેન પટેલ અને બલદેવસિંહ વીરદી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

