“વિશાળે જગ વિસ્તારે, નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનો, ને છે વનસ્પતિ.” કવિ ઉમાશંકર જોશીની આ અમર પંક્તિઓને અક્ષરશઃ સાચી ઠેરવવાનું ભગીરથ કાર્ય શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ કરી બતાવ્યું છે. મોરબીના પાદરે આવેલા મચ્છુ (૨) ડેમના કિનારે મોરબી પાંજરાપોળ ટ્રસ્ટની ૧૨૦૦ વીઘા પડતર જમીનમાં માત્ર ૩૭ દિવસની અંદર ૧૦ લાખ વૃક્ષો વાવીને એક નવો ઇતિહાસ રચવામાં આવ્યો છે.
વડાપ્રધાનના ૭૫મા જન્મદિવસે મળ્યું ‘નમો વન’નું નજરાણું
વર્ષ ૨૦૨૫માં સપ્ટેમ્બર ૧૭ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫મા જન્મદિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ વન કવચ એટલે કે ‘નમો વન’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે વિસ્તાર આઠ મહિના પહેલા સાવ વેરાન વગડો હતો, તે આજે ગાઢ વનરાજીમાં ફેરવાઈ ગયો છે. મોરબી પાંજરાપોળ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા કાંતિલાલ અમૃતિયાએ પર્યાવરણ બચાવવાના મક્કમ નિર્ધાર સાથે આ ભગીરથ કાર્ય ઉપાડ્યું હતું. આ પૂર્વે તેમણે આ વિસ્તારમાં જળસંચય માટે ૮ ચેકડેમ પણ બનાવ્યા છે.
૫૦૦ લોકોની ટીમે રોજ ૨૫ થી ૩૦ હજાર વૃક્ષો વાવ્યા
અભિયાનની વિગતો આપતા કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે, “જ્યારે અમે એક મહિનામાં ૧૦ લાખ રોપા વાવવાનું નક્કી કર્યું ત્યારે પ્રખ્યાત સંસ્થા ‘સદભાવના વૃદ્ધાશ્રમ’ની મદદ લેવામાં આવી હતી. પડતર જમીનને સમથળ કરી, બહારથી હજારો ટન ફળદ્રુપ માટી અને છાણીયું ખાતર નાખી જમીન તૈયાર કરાઈ. ત્યારબાદ ૫૦૦ જેટલા માણસોની ટીમે રોજ ૨૫ થી ૩૦ હજાર વૃક્ષો વાવીને માત્ર ૩૭ દિવસમાં આ યજ્ઞ પૂર્ણ કર્યો હતો.” હાલમાં આ વનનું જતન સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
પ્રવાસીઓ માટે ₹૩ કરોડના ખર્ચે બનશે ‘આઇકોનિક રોડ’
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ ગ્રીન પ્રોજેક્ટમાં વિશેષ રસ દાખવ્યો છે. તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા તેમણે નમો વનની મુલાકાત લીધી હતી અને પ્રજા આ પ્રકૃતિધામનો આનંદ માણી શકે તે માટે ₹૩ કરોડના ખર્ચે ‘આઇકોનિક રોડ’ બનાવવાની વિશેષ ગ્રાન્ટ મંજૂર કરી છે.
કેન્સરને હરાવ્યું, હવે શેષ જીવન પ્રકૃતિને સમર્પિત: કાંતિલાલ અમૃતિયા
૬૪ વર્ષીય જુજારૂ નેતા કાંતિલાલ અમૃતિયા હાલમાં જ કેન્સરની ગંભીર સર્જરી અને કીમોથેરાપીમાંથી પસાર થયા છે, છતાં તેમનો લોકસંપર્ક અને જુસ્સો અકબંધ છે. તેમણે ભાવુક થઈને જણાવ્યું કે, “કુદરતે મને કેન્સરથી બચાવીને બીજું જીવન આપ્યું છે. હવે મારું શેષ જીવન હું પ્રાકૃતિક ખેતી અને વૃક્ષારોપણની જાગૃતિ માટે સમર્પિત કરવા માંગું છું. અમે સરકારને પત્ર લખીને મચ્છુ ડેમના કિનારે આવેલી નજીકની સરકારી જમીન પણ ફાળવવા માંગણી કરી છે જેથી ત્યાં પણ આવું જ વિશાળ નવું વન ઊભું કરી શકાય.

