વાંકાનેર સ્થિત દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એન.આર. દોશી આંખની હોસ્પિટલમાં ડો. જીતેન્દ્ર જેઠાણીએ માત્ર છ કલાકમાં સૌથી વધુ ત્રાંસી આંખના ઓપરેશન કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિને લઈને સમગ્ર મોરબી જિલ્લામાં ગૌરવની લાગણી ફેલાઈ છે.
વર્ષ 2001ના વિનાશક ભૂકંપ બાદ આરોગ્ય ક્ષેત્રે ઊભી થયેલી ગંભીર સમસ્યાઓને ધ્યાનમાં રાખી વાંકાનેરના મૂળ નિવાસી અને યુકે સ્થાયી ડો. રમણીકભાઈ મહેતા તથા ડો. ભાનુબેન મહેતાએ પૂર્વ રાજ્યસભા સાંસદ લલિતભાઈ મહેતાના સહયોગથી દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. ટ્રસ્ટનો મુખ્ય હેતુ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે લોકકલ્યાણનો રહ્યો છે. ટ્રસ્ટ દ્વારા દેવદયા ડાયગ્નોસ્ટિક સેન્ટર અને એન.આર. દોશી આંખની હોસ્પિટલ મારફતે વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
વર્ષ 2004થી ટ્રસ્ટ દ્વારા મોતિયા અને ત્રાંસી આંખના વિનામૂલ્યે ઓપરેશનની સેવા શરૂ કરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં આ પ્રકારની નિઃશુલ્ક સેવા આપતું આ એકમાત્ર ટ્રસ્ટ ગણાય છે, જ્યારે ગુજરાતમાં પણ ગણતરીના ટ્રસ્ટોમાં તેનો સમાવેશ થાય છે.
ડો. જીતેન્દ્ર જેઠાણી વર્ષ 2008થી ત્રાંસી આંખના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સેવા આપી રહ્યા છે. ટ્રસ્ટમાં દર્દીઓ પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી અને દવાઓ પણ મફતમાં આપવામાં આવે છે. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં આવા ઓપરેશન માટે એક આંખનો ખર્ચ રૂ. 30 હજારથી 40 હજાર સુધી થાય છે, ત્યારે દેવદયા ટ્રસ્ટ આ સેવા સંપૂર્ણ નિઃશુલ્ક આપે છે.
ડો. જેઠાણીએ અત્યાર સુધીમાં અંદાજે 14 હજારથી વધુ આંખના ઓપરેશન કર્યા છે અને દેશ-વિદેશના અનેક આંખના નિષ્ણાતોને તેમના જ્ઞાનનો લાભ મળ્યો છે. આ રેકોર્ડ સ્થાપિત કરવામાં એનેસ્થેટિસ્ટ ડો. હાર્દિક કાવર, ડો. પૂજા પરેખ, મેનેજર મેક્સવેલ ક્રિશ્ચન તેમજ ટ્રસ્ટના સ્ટાફના સહયોગથી મહત્વપૂર્ણ યોગદાન મળ્યું હતું.

