મોરબી મહાનગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અને અટકાયત માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અંતર્ગત જાનીશેરી, નાગનાથશેરી, પ્રજાપતિ સોસાયટી અને દેરાસર શેરી વિસ્તારમાં ઘરેઘરે જઈ પાણી ભરાયેલા પાત્રોની તપાસ કરવામાં આવી હતી. સાથે જ જ્યાં મચ્છરના પોરા થવાની શક્યતા હતી ત્યાં એબેટ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત વીસીપરા વોકળા, રવાપર તળાવ અને મચ્છુ નદી આસપાસના વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા દવા છંટકાવની કામગીરી હાથ ધરાઈ હતી. મોચીશેરી, પખાલીશેરી અને વેરાઈશેરી વિસ્તારની ગટરોમાં પણ મચ્છરનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકાએ નાગરિકોને મચ્છરજન્ય રોગોથી બચવા માટે સાવચેતી રાખવાની અપીલ કરી છે. પાણીના પાત્રોને ઢાંકીને રાખવા, ફુલદાની અને પક્ષીકુંડને નિયમિત સાફ કરવા, છત પર પડેલા ટાયર કે ખાલી ડબ્બા જેવા પાત્રો દૂર કરવા તેમજ ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી લેવા સૂચના આપવામાં આવી છે. સાથે જ સાંજના સમયે બારી-બારણા બંધ રાખવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવા અને તાવ જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

