મોરબી જિલ્લાના માળીયા મી. પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા માળીયા-જામનગર હાઇવે પર સરવડ ગામ નજીકથી ગેરકાયદેસર રેતી વહન કરતા 10 ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા હતા. ઉપરાંત માળીયા મી. તાલુકાના હરીપર ગામે મચ્છુ નદીના કાંઠે ગેરકાયદેસર રેતી ખનન કરતા ઇસમો સામે કાર્યવાહી કરી એક હિટાચી મશીન અને બે હુડકા (બોટ) સહિત કુલ રૂ. 2.64 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી રાજકોટ રેન્જ પોલીસ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રાજકોટ રેન્જ હેઠળના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ PSI પી.એન. મોરી, બી.સી. મીયાત્રા, સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ અને બાતમીદારોના આધારે સતત વર્કઆઉટ કરવામાં આવી રહ્યું હતું.
દરમિયાન PSI બી.સી. મીયાત્રા તથા સ્ટાફને મળેલી ચોક્કસ માહિતીના આધારે સરવડ ગામ પાસેથી ગેરકાયદેસર રેતી ભરેલા કુલ 10 ડમ્પરો ઝડપાયા હતા. તમામ વાહનોમાંથી કુલ 456 ટન જેટલી રેતી મળી આવી હતી. પોલીસે તમામ ડમ્પરો સહિત અંદાજે રૂ. 2.50 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત માળીયા મી. તાલુકાના હરીપર ગામે મચ્છુ નદીના કિનારે ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની માહિતી મળતા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સાથે સંયુક્ત રેઇડ કરવામાં આવી હતી. સ્થળ પરથી એક હિટાચી મશીન અને બે હુડકા (બોટ) કબ્જે કરવામાં આવ્યા હતા.
પોલીસ અને ખાણ-ખનીજ વિભાગ દ્વારા કુલ રૂ.2,64,00,000 ના મુદ્દામાલ સાથે સંડોવાયેલા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તમામ મુદ્દામાલ અને આરોપીઓને માળીયા મી. પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે.


