મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા નજીક કોલસાના ડેલા પાસે થયેલા હત્યાના ગુનામાં પોલીસને મોટી સફળતા મળી છે. બનાવના ગણતરીના સમયમાં જ મોરબી ક્રાઇમ બ્રાન્ચ તથા મોરબી તાલુકા પોલીસની સંયુક્ત ટીમે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ગત તા. 11/05/2026ના રોજ બપોરે અંદાજે દોઢથી પોણા બે વાગ્યાના સમય દરમિયાન પીપળીયા ચાર રસ્તાથી આમરણ રોડ પર આવેલ વિશ્વમ કોર્પોરેશન નામના કોલસાના ડેલાના ગેટ સામે ન્યુ નવલખી ટાટા નગર ખાતે રહેતા 29 વર્ષીય અબ્બાસ અબ્દુલ સોતા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ છરી વડે હુમલો કરી અબ્બાસ સોતાને ગંભીર ઇજા પહોંચાડતા તેમનું મોત નીપજ્યું હતું. તેમજ તેના ભાઈઓ હસન સોતા અને સુલતાન સોતાને લોખંડના પાઇપ અને સળીયા વડે માર મારી ઇજાગ્રસ્ત કર્યા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, મૃતક અબ્બાસ સોતા આરોપી આશીફ ઇલિયાસ દલની બહેન સાથે મોબાઇલ ફોન પર મેસેજ દ્વારા વાતચીત કરતો હતો. આ બાબતને લઈને આરોપી આશીફ દલ તથા તેનો બનેવી હુસેન ઇબ્રાહિમ સાઇચા નારાજ થયા હતા. બંનેએ સમાધાનના બહાને અબ્બાસ સોતા અને તેના બંને ભાઈઓને બોલાવી ગાળો બોલી ઝઘડો શરૂ કર્યો હતો અને ઉશ્કેરાઈ જઈ જીવલેણ હથિયારો વડે હુમલો કર્યો હતો. હત્યાની ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને મોરબી એલ.સી.બી., પેરોલ સ્ટાફ તથા તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી. ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ અને ખાનગી બાતમીના આધારે પોલીસે આરોપી આસીફભાઈ અલીયાસભાઈ દલ (રહે. નવી નવલખી, તા. માળીયા મિયાણા, જી. મોરબી) અને હુશેનભાઈ અભરામભાઈ ઉર્ફે ઇબ્રાહિમભાઈ સાઇચા (રહે. નવી નવલખી, તા. માળીયા મિયાણા)ને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા બંને આરોપીઓ સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

