મોરબી મહાનગરપાલિકાના કમિશનરે વોર્ડ નંબર 7માં વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ સફાઈ અને કચરા વ્યવસ્થાપન કામગીરીની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન સફાઈ કર્મચારીઓની હાજરી તપાસવામાં આવી હતી તેમજ આસ્વાદ પાન નજીક આવેલા GVP પોઈન્ટ, સતારભાઈની પાણીની ટાંકી, ખુશ્બુ હોસ્પિટલ અને દાઉદી પ્લોટ વિસ્તારમાં આવેલી જગ્યાઓની સ્વચ્છતા અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ સાથે નાગર પ્લોટ, સૌમ્યા સોસાયટી અને SBI બેન્ક વિસ્તારમાં ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવાની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. નાગર પ્લોટ વિસ્તારમાં C&D ક્લીનર દ્વારા હાથ ધરાતી સફાઈ કામગીરીની પણ તપાસ કરવામાં આવી હતી. ત્રિકોણબાગ સ્થિત જાહેર શૌચાલયની મુલાકાત લઈ સ્વચ્છતા જાળવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નાસ્તા ગલી નજીક આવેલા નાળાની સફાઈ અંગે ચર્ચા કરી સંબંધિત વિભાગને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ નાસ્તા ગલી વિસ્તારમાં થયેલા દબાણ દૂર કરવા માટે પણ તંત્રને કાર્યવાહી કરવા જણાવાયું હતું. સુધારા શેરીમાં જાહેર માર્ગ પર ઉભા રહી ચા વેચતા વેપારીઓ સામે દંડાત્મક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત હાથલારી દ્વારા શેરીઓમાંથી કચરો એકત્ર કરવાની કામગીરી પણ કરાવવામાં આવી હતી. દાઉદી પ્લોટ વિસ્તારમાં ગટર સફાઈ અંગે પણ અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
કાયજી પ્લોટ વિસ્તારમાં જાહેરમાં પાણીનો વ્યર્થ વપરાશ કરતા તથા કચરો સળગાવતા કેટલાક લોકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું હતું.

