રાજકોટ રેન્જ પોલીસ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે મોટી કાર્યવાહી હાથ ધરી નામચીન પ્રોહિબીશન બુટલેગર પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આગામી 10 અને 11 મે, 2026 દરમિયાન જામનગર ખાતે વડાપ્રધાનના કાર્યક્રમને ધ્યાનમાં રાખી રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) દ્વારા ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
આ સૂચના મુજબ રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલીયા સહિતની ટીમ દ્વારા ટેક્નિકલ એનાલિસિસ, હ્યુમન સોર્સ અને વર્કઆઉટના આધારે કાર્યવાહી હાથ ધરાઈ હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે લખતર ગામની સુથાર શેરીમાં ઇમરાન ઉર્ફે મસાલ હબીબશા, તેનો ભાઈ શાહરૂખશા હબીબશા તેમજ મકાનના કબ્જેદાર અને મદદગારો મોઇન મુસ્તુફા તથા હીરાભાઈ ભરવાડના રહેણાંક મકાનોમાં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 7,163 બોટલો અને 1,080 બિયર ટીન મળી આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી અંદાજિત રૂ. 29.75 લાખનો દારૂ, રૂ. 70 હજાર કિંમતનું મોટરસાયકલ તેમજ તાલપત્રી સહિત કુલ રૂ. 30.45 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમગ્ર મામલે લખતર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી દારૂનો જથ્થો મોકલનાર, મંગાવનાર અને વેચાણમાં મદદરૂપ બનેલા તમામ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલ, પીએસઆઈ પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલીયા, એએસઆઈ યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અતુલભાઈ ડાભી તેમજ પોલીસ સ્ટાફના અન્ય કર્મચારીઓ જોડાયા હતા.

