હળવદના માનસર ગામ પાસેથી પસાર થતી નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં આજે એક હૃદયદ્રાવક દુર્ઘટના ઘટી છે. પિતા સાથે ટ્રકમાં સવાર થઈ મોરબી જઈ રહેલા તમિલનાડુના બે બાળકો કેનાલમાં ન્હાવા પડ્યા બાદ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ સ્થાનીય પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ તમિલનાડુના વતની અને વ્યવસાયે ટ્રક ડ્રાઈવર પોતાના બે સંતાનો સાથે ટ્રક લઈને મોરબી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન હળવદના માનસર ગામ નજીક ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ પાસે ટ્રક ઉભો રાખી, અંદાજે 13 થી 15 વર્ષની વયના બે બાળકો કેનાલના પાણીમાં ન્હાવા માટે ઉતર્યા હતા. પાણીનો પ્રવાહ વધુ હોવાથી અથવા ઊંડાઈનો અંદાજ ન આવતા બંને બાળકો અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જે બાદ તુરંત પોલીસ અને હળવદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોઈ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને તરવૈયાઓની મદદથી કેનાલના ઊંડા પાણીમાં બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
તમિલનાડુથી પિતા સાથે નીકળેલા બાળકો માટે આ સફર અંતિમ સાબિત થશે તેવી કોઈએ કલ્પના પણ કરી ન હતી. ભરબપોરે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને કેનાલ કાંઠે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. અત્યાર સુધી બાળકોનો કોઈ પત્તો મળ્યો નથી, રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે.

