મોરબીના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા પીપળી રોડ પર આજે સવારના સમયે આગની એક ઘટના બની હતી. બેલા થી તળાવિયા સનાળા રોડ વચ્ચે આવેલા ઇમ્પેરિયર નામના કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રાપ્ત વિગતો મુજબ, આજે મંગળવારે સવારે અંદાજે 09:40 વાગ્યે મોરબી ફાયર કંટ્રોલરૂમને કોલ મળ્યો હતો કે ઇમ્પેરિયર કારખાનામાં આગ લાગી છે. આગ એટલી પ્રબળ હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેને પગલે આસપાસના અન્ય કારખાનાના શ્રમિકોમાં પણ ફાળ પડી હતી. ઘટનાની જાણ થતા જ મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક આધુનિક સાધનો અને ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી ટૂંક સમયમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે આગ વધુ ફેલાતી અટકી હતી અને મોટું નુકસાન ટળ્યું હતું.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ કારખાના સંચાલકો અને તંત્ર દ્વારા તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે. ઘટના સમયે કારખાનામાં હાજર તમામ કર્મચારીઓ સુરક્ષિત રીતે બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી. પોલીસે પણ ઘટનાની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

