મોરબી શહેરમાં વધતી કાળઝાળ ગરમી વચ્ચે ગરમ લૂથી બચવા લોકો માટે લીંબુ સરબત આરોગ્યપ્રદ વિકલ્પ માનવામાં આવે છે, પરંતુ હાલ લીંબુના વધતા ભાવો સામાન્ય જનતાને પરેશાન કરી રહ્યા છે. તીવ્ર ગરમી અને સૂર્યપ્રકોપના કારણે લીંબુના ભાવોમાં ભારે ઉછાળો નોંધાયો છે.
ગરમી વધતા દરેક ઘરમાં લીંબુની માંગ વધી છે. શહેરમાં લીંબુ સરબત, સોડા અને ખાણીપીણીના સ્ટોલોમાં પણ તેની જરૂરિયાત વધી જતા બજારમાં માંગ વધીને ભાવ રાતોરાત ઊંચા પહોંચી ગયા છે. હાલની સ્થિતિ એવી છે કે ભાવ સાંભળતાં જ લોકો ચોંકી જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે.
ગરમીથી રાહત મેળવવા લોકો મોટી સંખ્યામાં લીંબુ સરબત તરફ વળી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક લોકો લીંબુનો જથ્થાબંધ સંગ્રહ પણ કરી રહ્યા છે, જેના કારણે માંગ વધુ વધી રહી છે.
છેલ્લા પાંચ દિવસના ભાવ પર નજર કરીએ તો લીંબુના મણના ભાવમાં સતત વધારો થયો છે. પાંચ દિવસ પહેલાં રૂ.2100 રહેલા ભાવ બીજા દિવસે રૂ.2800 સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ ત્રીજા દિવસે રૂ.3000 પાર કર્યા અને ગઈકાલે રૂ.3040 થયા હતા. જ્યારે શનિવારે મોરબી યાર્ડમાં લીંબુના ભાવ રૂ.3080 સુધી પહોંચી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનાની શરૂઆતમાં લીંબુના મણના ભાવ રૂ.2000ની આસપાસ હતા, જ્યારે ઠંડીના માગશર મહિનામાં આ ભાવ લગભગ રૂ.1200 જેટલા હતા. જોકે થોડા દિવસ પહેલાં માવઠાને કારણે વાતાવરણ ઠંડુ થતા ભાવોમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ હાલ ફરીથી ગરમી વધતા ભાવોમાં ઉછાળો આવ્યો છે.

