મોરબી સિટી એ-ડિવિઝન પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે ભક્તિનગર સર્કલ નજીક આવેલા સિટી મોલના ત્રીજા માળે દુકાન નં. 301 ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપી અનિલભાઈ ડાભીની કબ્જાવાળી ઓફિસમાં બહારથી લોકોને બોલાવી, આઈપીએલ ટી-20 ક્રિકેટ મેચ (રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે) પર સટ્ટાબાજી ચલાવવામાં આવી રહી હતી.
આ આરોપીઓ દ્વારા જુગાર રમવા માટે જરૂરી સાધનો તથા આઈડી ઉપલબ્ધ કરાવી, લાઈવ મેચ દરમિયાન પૈસાની હાર-જીતનો જુગાર રમાડવામાં આવતો હતો. પોલીસને સ્થળ પરથી રોકડ રૂપિયા 15,600 તેમજ ચાર વાહનો (કુલ કિંમત રૂપિયા 4,50,000) મળી આવ્યા, જેમાં કુલ રૂપિયા 5,26,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.
આ કાર્યવાહી દરમિયાન પોલીસએ ચાર આરોપીઓ-અનિલભાઈ માવજીભાઈ ડાભી (ઉંમર 28), બ્રિજેશભાઈ મનસુખભાઈ માલવણીયા (ઉંમર 30), પરેશભાઈ નાગજીભાઈ પઢારીયા (ઉંમર 40) અને હર્ષદભાઈ લાલજીભાઈ પાસીયા (ઉંમર 30)ને ઝડપી પાડ્યા છે.
જ્યારે જુગાર માટે આઈડી પૂરી પાડનાર અન્ય આરોપીઓ હસુભાઈ ઠાકર, બ્રિજેશભાઈ પડસુબીયા, રજાકભાઈ (રાજકોટ) અને જયદીપભાઈ પટેલ સ્થળ પર હાજર મળ્યા નહોતા. આ અંગે પોલીસએ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

