માર્ચ મહિનો અને એપ્રિલના પ્રારંભિક દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી કમોસમી વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેતા થોડાક સમય માટે ગરમીમાંથી રાહત મળી હતી. પરંતુ હવે ફરી ઉનાળાએ તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સવારથી જ તડકો કડકડતો જોવા મળે છે અને બપોર સુધીમાં ગરમી ખૂબ જ વધી જાય છે. મોરબી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં મહત્તમ તાપમાન 35થી 40 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ તાપમાન 22થી 25 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે.
હાલમાં ગરમીનું પ્રચંડ પ્રમાણ વધતાં હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે બપોરના સમયે ગરમ પવન (લૂ) ફૂંકાઈ રહ્યા છે. બુધવારે મોરબીમાં તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચી જતા બપોર દરમિયાન રસ્તાઓ સૂના દેખાવા લાગ્યા છે. આ પરિસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો માટે પણ મુશ્કેલી ઉભી થઈ છે. ઉમેદવારો હવે સવારના થોડાક કલાકો જ ડોર-ટુ-ડોર પ્રચાર કરે છે અને બપોરના તડકામાં બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તેના બદલે તેઓ વોટ્સએપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ડિજિટલ પ્રચાર તરફ વળી રહ્યા છે. સાથે જ રાત્રિના સમયે સભાઓ અને બેઠકો યોજીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આવતી 26 એપ્રિલના મતદાનને ધ્યાનમાં રાખીને ઉમેદવારોમાં ઓછા મતદાનની ચિંતા પણ વધી છે. તેથી તેઓ વહેલી સવારથી બપોર સુધી અને મતદાનના અંતિમ કલાકોમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયત્નશીલ છે. મતદારોને મતદાન મથક સુધી લાવવા-મોકલવા માટે ઉમેદવારો પોતાના ખર્ચે વાહન વ્યવસ્થા કરવાની તૈયારીમાં છે, જેમાં ખાસ કરીને રિક્ષા અને અન્ય મુસાફરીના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આકરી ગરમીને કારણે સનસ્ટ્રોક, હીટસ્ટ્રોક, ઉબકા-ઉલટી અને ડાયરીયા જેવી સમસ્યાઓ ઉભી થવાની શક્યતા વધતાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા બહાર પાડી છે. શહેરના મુખ્ય માર્ગો પર બેનરો લગાવીને લોકોને ગરમીથી બચવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે.

