વાંકાનેરના ભેરડા ગામની સીમમાં આવેલ ગુરુકૃપા મિનરલ્સના ગળદા બેલા પથ્થર પ્લાન્ટના લેબર ક્વાર્ટરમાં થયેલી ચોરીનો ભેદ વાંકાનેર તાલુકા પોલીસે ઉકેલી લીધો છે. પોલીસે ચોરીમાં સંડોવાયેલા ચાર આરોપીઓને ચોરાયેલા મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ ભેરડા ગામની સીમમાં આવેલા ગુરુકૃપા મિનરલ્સના લેબર ક્વાર્ટરમાં અજાણ્યા ચોર ઇસમોએ તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ક્વાર્ટરમાં રાખેલ આશરે 800 મીટર જેટલો 6 એમ.એમ પટ્ટી કેબલ વાયર (કિંમત રૂ.1,86,400) તેમજ પાવર પ્લાયના 8 સ્ટાટર (કિંમત રૂ.8,000) મળી કુલ રૂ.1,94,400ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
આ અનડિટેક્ટ ગુનાની તપાસ દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસે સુચના અને તપાસના આધારે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. પોલીસે વાસુદેવભાઈ રમેશભાઈ દેગામ (ઉંમર 23, રહેવાસી મકનસર વાડી વિસ્તાર, સમજી મંદિર પાછળ, મોરબી), મનજીભાઈ ઉર્ફે શક્તિભાઈ મંગાભાઈ થરેસા (ઉંમર 30, રહેવાસી મકનસર પોલીસ ચોકી પાછળ, મોરબી), કનૈયાલાલ મગનલાલજી રેગર (રહેવાસી ભલે સરતાનપર રોડ, મોટો ચોકડી પાસે, વાંકાનેર-મૂળ રહેવાસી ભીલવાડા, રાજસ્થાન) તેમજ ભેરૂલાલ માંગુલાલ ગુર્જર (ઉંમર 55, રહેવાસી હુવા ચોકડી, રામદેવ હોટલ પાછળ, વાંકાનેર-મૂળ રહેવાસી રાજસમંદ, રાજસ્થાન)ને ઝડપી પાડ્યા છે.
પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ મુદામાલ પણ કબજે કર્યો છે. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.

