અમદાવાદ,સોમવાર
કોરોનાથી મૃત્યુ પામનારને આર્થિક સહાય મુદ્દે નવો ઠરાવ ગુજરાત સરકારે કર્યો છે, સુપ્રીમ કોર્ટના તેડા બાદ ગુજરાત સરકારે મહત્વનો નિર્દેશ કર્યો હતો. સરકાર દ્વારા સહાય માટે એક પોર્ટલ બનાવામાં આવશે. જેથી કરીને કોરોના મૃતકોના પરિવારને સહાય મેળવવા હવે સરળતા રહેશે. આ સમગ્ર મામલે ગુજરાત સરકાર તરફથી સોલિસીટર જનરલ દ્વારા સુપ્રિમ કોર્ટને જવાબ આપવામાં આવ્યો છે.
કોરોનાથી મૃતકોને સહાય આપવા મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. કોરોનાથી મૃતકોને સરકાર તરફથી સહાય ચૂકવવામાં આવશે. સરકારી આંકડા મુજબ કોરોનાથી 10 હજાર 80 લોકોના કોરોનાથી મોત થયા છે. આરોગ્ય વિભાગે તમામ જિલ્લાના કલેક્ટરોને કોરોનાથી થયેલા મોતનું લિસ્ટ મોકલ્યું હતું. સરકાર તરફથી મૃતકના પરિવારના ખાતામાં સીધી સહાય જમા કરી દેવામાં આવશે. જે લોકોની સરકારી ચોપડે નોંધણી ન થઈ હોય તેવાં લોકોને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન આધારે પુરાવાઓ જમા કરાવવા પડશે. કોરોનામાં મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારજનને નાણાંકીય સહાય આપવાના મામલે અટપટી પ્રક્રિયાથી સુપ્રિમ કોર્ટ ગુજરાત સરકારથી ભારોભાર નારાજ હતી. હવે સુપ્રિમની ફટકાર બાદ ગુજરાત સરકારને જ્ઞાન લાદ્યુ છે જેના પગલે સહાય મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા તૈયારીઓ કરાઇ હતી.ત્યારે સરકાર દ્વારા હવે પોર્ટલ બનાવામાં આવશે જેથી લોકો ડાયરેક્ટ સહાય માટે ઓનલાઈન અરજી કરી શકશે. સોલિસિટર જનરલ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી 2 સપ્તાહમાં ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવશે. સાથેજ તેમણે કહ્યું કે પોર્ટલ પરથી લોકો સરળતાથી અરજી કરી શકશે અને તેમને લાઈનમાં ઉભા રહેવાનો વારો નહી આવે. સોલિસીટર જનરલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પોર્ટલ પર લોકો સરળતાથી વળતર માટે દાવો કરી શકશે. જેથી આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ સરકારના આ નિર્ણયને સ્વીકારવામાં આવ્યો છે. સાથેજ સુપ્રીમ કોર્ટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે અમે અન્ય રાજ્યોને પણ પોર્ટલ બનાવવા વિચારણા કરવા માટે કહીશું.
સરકારે મૃત્યુઆંક બહાર ન આવે તે હેતુસર ફોર્મ ભરવાની અટપટી પ્રક્રિયા ઘડી હતી. સાથે સાથે કોરોનાથી મૃત્યુ થયુ છે કે કેમ તે નક્કી કરવા એક કમિટી રચવા સુધ્ધી નક્કી કર્યુ હતું. જોકે, સુપ્રિમ કોર્ટે આરોગ્ય સચિવનો રીતસર ઉધડો લીધો હતો.એટલું જ નહીં, સરકારની દાનત પર સવાલ ઉભો કરતાં ગુજરાત સરકારની આ આખીય ગણતરી ઉંધી પડી હતી પરિવારજનોએ મેડિકલ સર્ટિફિકેટ તેમજ ડેથ સર્ટિફિકેટ લઈને કલેક્ટર કચેરીએ અથવા તો તાલુકા કચેરીએ જવું પડે છે. જ્યા પરિવારજનોને ડોક્યુમેન્ટ ચેક કરીને સહાય ફોર્મ આપવામાં આવે છે. આ પ્રક્રિયા હાલ પણ યથાવત છે. જોકે ઓનલાઈન પોર્ટલ બન્યા બાદ લોકોને સહાય ફોર્મ માટે ડોક્યુમેન્ટ લઈને લાઈમાં નહી ઉભા રહેવું પડે.

