HomeGujaratમોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે 77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે 77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

મોરબી, ૨૬ જાન્યુઆરી ૨૦૨૬: ૭૭મા પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે મોરબી જિલ્લા પંચાયત ભવનના પટાંગણમાં ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. માનનીય ઉપપ્રમુખ હિરાલાલ જે. ટમારીયાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને દેશભક્તિના ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સલામી આપવામાં આવી.

કાર્યક્રમમાં  જિલ્લા વિકાસ અધિકારી એન એસ ગઢવી , વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા શાળાના બાળકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી. ત્યારબાદ રાષ્ટ્રગાન ગવાયું અને આખું પરિસર ‘ભારત માતા કી જય’ તથા ‘વંદે માતરમ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું .

ઉપપ્રમુખ હિરાલાલ જે. ટમારીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ સાર્વભૌમ, લોકશાહી પ્રજાસત્તાક બન્યો. તેમણે મહાન ક્રાંતિકારીઓ અને દેશભક્તોના બલિદાનને યાદ કરીને કહ્યું કે આજે આપણે મુક્ત વાતાવરણમાં શ્વાસ લઈ રહ્યા છીએ. આઝાદીના અમૃતકાળમાં પંચાયતી રાજ સંસ્થાઓની જવાબદારી છે કે છેવાડાના વ્યક્તિ સુધી સરકારી યોજનાઓ પહોંચે. તેમણે “વિકસિત ભારત @ ૨૦૪૭”ના સ્વપ્નને સાકાર કરવા, દેશની એકતા અને અખંડિતતા જાળવવા તથા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાનો સંકલ્પ લેવડાવ્યો.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા હેઠળ ઉત્તમ કામગીરી બદલ અનેક કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા. ધરમપુર અને હમીરપર ગામના આરોગ્ય આયુષ્માન મંદિરની ટીમને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) સર્ટિફિકેટમાં ઉત્તમ ગુણ મેળવવા બદલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ઢુવાના ફીમેલ હેલ્થ વર્કરને કુટુંબ નિયોજનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ તથા જિલ્લા ક્ષય કેન્દ્ર મોરબીના ડીસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટરને છેલ્લા ૧૦ વર્ષથી ટીબી મુક્ત ભારત અભિયાનમાં ઉત્કૃષ્ઠ યોગદાન બદલ પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરાયા.

માનનીય જિલ્લા વિકાસ અધિકારી એન.એસ. ગઢવી (I/C)એ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના બાળકો અને મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો. આ દરમિયાન પોટરી શાળાના બાળકોને જિલ્લા પંચાયત તરફથી રૂ. ૫,૧૦૦/-ની ભેટ આપવામાં આવી.

કાર્યક્રમના અંતે માનનીય ઉપપ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીએ કચેરી સંકુલમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો. આખો કાર્યક્રમ દેશભક્તિ અને ઉત્સાહના વાતાવરણમાં સંપન્ન થયો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW