માળીયાના કાજરડા ગામના રહેવાસી અસગરભાઈ અલાઉદ્દીનભાઈ બાબરીયા દ્વારા માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી સારબાઈ દોસમહમદભાઈ બાબરીયા, રેશમા સુલતાનભાઈ જેડા, દોશમહમદ જુસબભાઈ બાબરીયા, સલેમાન ઉર્ફે ડાડો દોસમહમદ બાબરીયા અને જાનમહમદ ઉર્ફે જાનો દોસમહમદ બાબરીયા (તમામ રહે. કાજરડા, તા. માળીયા મીયાણા) તેમના મોટા બાપુ તથા પરિવારના સભ્યો થાય છે.
ફરિયાદ મુજબ અસગરભાઈના કાકા આમદભાઈની દીકરીના લગ્ન ફરીયાદીની ફઈ શેરબાનુબેન નુરમહમદભાઈ ભટીના પુત્ર સિકંદર સાથે થયા હતા. દાંપત્ય જીવનમાં મતભેદ થતા યુવતી પીયર પરત આવી હતી, બાદમાં સિકંદરે બીજા લગ્ન કરી લીધા હતા. આ મુદ્દે બંને પરિવારો વચ્ચે અણબનાવ ચાલતો હતો અને પરસ્પર વાતચીત બંધ હતી.
જે દરમિયાન અસગરભાઈની ફઈ અને તેનો પુત્ર સિકંદર કાજેડા ખાતે ઉર્ષમાં હાજર રહ્યા બાદ અસગરભાઈના દાદી રહીમાબેન જુસબભાઈ બાબરીયાના ઘરે ગયા હતા. આ બાબતે આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને દાદી સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. ઝઘડામાં આરોપી સારબાઈ દોસમહમદભાઈ બાબરીયા, રેશમા સુલતાનભાઈ જેડા, દોશમહમદ જુસબભાઈ બાબરીયા, સલેમાન ઉર્ફે ડાડો દોસમહમદ બાબરીયા અને જાનમહમદ ઉર્ફે જાનો દોસમહમદ બાબરીયાઓએ દાદીને ધક્કો મારી નીચે પાડી દીધા હતા તેમજ ધોકાથી મારમારી કરી ઇજા પહોંચાડી હતી.
આ ઉપરાંત ફરીયાદી અને તેના સાથી હસણભાઈ પર પણ આરોપીઓએ છરી અને ધારીયા જેવા હથિયારો વડે હુમલો કરી ઘાયલ કર્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

