અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા એવા સુભાષબ્રિજના મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા એકાએક રિપેરિંગને લઈને બંધ કરી દેવાતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કોઇપણ જાણ કર્યા વિના અચાનક જ સાંજે પીક અવર્સના સમય દરમિયાન બ્રિજ બંધ કરી દેતા લોકોને પાછા ફરવું પડ્યું હતું. જેના કારણે નારણઘાટ અને સુભાષબ્રિજ સર્કલ પાસે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે ટ્રાફિક પોલીસને રોડ પર ઉતરવું પડ્યું હતું અને ટ્રાફિક મેનેજ કરવું ભારે પડી રહ્યો છે.
સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના ધ્યાને આવતા આ મામલે તપાસ કરવામાં આવી હતી. જેમાં તિરાડ હોવાનું સામે આવતા AMC દ્વારા સાંજે છ વાગ્યે તાત્કાલિક અસરથી બ્રિજ વાહનચાલકો માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા બ્રિજ પર તિરાડને લઈને તપાસ કરવામાં આવી રહી છે. બ્રિજ ક્યાં સુધી બંધ રહેશે તેને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવ્યું નથી.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ બ્રિજના બંને તરફનો ભાગ મધ્ય ભાગમાંથી બેસી ગયો છે. એક સ્પાનનો ભાગ બેસી ગયો હોય તેવું હાલ પૂરતું જણાય છે. આવતીકાલે સવારે બ્રિજ પ્રોજેક્ટ વિભાગની ટીમ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે.
અમદાવાદના સુભાષ બ્રિજ પરથી રોજના અંદાજે 1 લાખથી વધારે વાહનો પસાર થતાં હોય છે, ત્યારે હાલ બ્રિજને બંધ કરી દેવામાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. સુભાષ બ્રિજને અમદાવાદ શહેરનો પ્રવેશ દ્વારા પણ કહેવામાં આવે છે. શહેરના કોટ વિસ્તાર અને જૂના અમદાવાદમાં જવા માટે સુભાષ બ્રિજ થઈને જવું પડે છે, ત્યારે સાબરમતી અને અખબાર નગર થઈને આવતા વાહનચાલકોએ હવે વ્યાસવાડી અને ગાંધી આશ્રમના નવા રોડ પર થઈને આશ્રમ રોડ, વાડજ, દધીચિબ્રિજ થઈને શાહીબાગ તેમજ દિલ્હી દરવાજા જઈ શકાશે. સુભાષ બ્રિજ સાબરમતી નદી પર આવેલો એક મહત્વનો બ્રિજ છે. જેનું નિર્માણ 1973માં કરવામાં આવ્યું હતું. આ બ્રિજ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો મહત્વનો બ્રિજ છે. દરરોજ આ બ્રિજ પરથી હજારોની સંખ્યામાં વાહનચાલકો પસાર થાય છે. જે હાલ બંધ થતા વાહનચાલકો પરેશાન થયા છે.

