વિકાસ સપ્તાહ અંતર્ગત સરકાર દ્વારા અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા 60 જેટલા સ્ટોલ સાથે સખી મંડળની બહેનો અને પીએમ સ્વનિધિના લાભાર્થીઓ સહિત સ્થાનિક કારીગરો માટે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં અનેક સ્થાનિક લોકો વિનામૂલ્યે સ્ટોલ મેળવી રોજગારી મેળવી રહ્યા છે.
મોરબીમાં આયોજિત સ્વદેશી મેળામાં વિનામૂલ્યે સ્ટોલ મેળવી અર્પિત આરાધ્યા સખી મંડળના સખી જણાવે છે કે, સરકારના સદેશી મેળા અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબીમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમારા સખી મંડળને વિનામૂલ્ય સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. જ્યાં અમે અમારા સખી મંડળ દ્વારા બનાવવામાં આવતા વિવિધ નાસ્તા અને ખાદ્ય સામગ્રીનું વેચાણ કરી રહ્યા છીએ. આ પ્રકારના મેળાઓ થકી બહેનોની રોજગારીમાં વધારો થયો છે જે બદલ હું સરકારનો આભાર માનું છું.
સખી મંડળ વિશે વધુ વાત કરતા તેઓ જણાવે છે કે, અમારા સખી મંડળમાં બહેનો દ્વારા દર માસે 500 ની બચત કરવામાં આવે છે. અમારી સખી મંડળની બહેનો જીરા, મેથી, મસાલા એમ વિવિધ પ્રકારના ખાખરા, ગાંઠીયા, પાપડી, લીલી ચટણી જેવી ફરસાણની વસ્તુઓ જાતે બનાવે છે. આ સખી મંડળથી બહેનોને રોજગારી મળી છે અને તેમની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. સખી મંડળની બહેનો અને ખાખરા બનાવવા આવતી બહેનોને સારી આવક થાય છે. અમારા મંડળની ઘણી બહેનો મહિને 15 થી 20 હજાર કમાય છે.
સખી મંડળની બહેનો અને અન્ય કારીગરો માટે સરકાર દ્વારા વખતોવખત અનેકવિધ મેળાઓનું આયોજન કરવામાં આવે છે. આ પ્રકારના મેળાઓમાં તેઓ વિનામૂલ્ય સ્ટોર મેળવી તેમની કલા કારીગરી અથવા તેમની વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરી શકે છે. સરકાર દ્વારા તેમની વસ્તુઓને બજાર સુધી પહોંચાડવા માટે વિશિષ્ટ આયોજન કરવામાં આવે છે. આવા આયોજનો થકી આજે સ્થાનિક કારીગરોની અનેક વસ્તુઓ આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચી છે.

