મોરબી મનપા બન્યા બાદ વિસ્તારમાં વધારો થતા વિવિધ પ્રાથમિક અને આરોગ્ય લક્ષી જરૂરિયાતની સુવિધાઓ બાબતે મનપા તંત્ર માં ફરિયાદ ઉઠી હતી. ખુદ કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા સપ્તાહમાં બે દિવસ લોકોની ફરિયાદ રૂબરૂ સાંભળવાની શરૂ કરી હતી.
આ ઉપરાંત મનપા ખાસ ફરિયાદ નિવારણ માટે વિવિધ વિભાગમાં અધિકારી અને કર્મચારીની નિમણૂક કરી ફરિયાદ ઉકેલ લાવવા પ્રયાસ કર્યો હતો. જોકે આ વર્ષે પીવાના પાણીની ફરિયાદોએ રીતસર મનપા માટે માથાના દુખાવા સમાન બની હતી. ઉનાળા દરમિયાન રોજ અલગ-અલગ વિસ્તારોમાંથી મહિલાઓ અને પુરુષો ટોળે વળી ફરિયાદ માટે આવતા હતા. તેમાં પણ ડેમના દરવાજા રીપેરીંગ કામગીરી ચાલુ હોવાથી પાણી ની ફરિયાદ વધુ ઉગ્ર બની હતી. મનપા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, 1 જાન્યુઆરી થી 30 ઓગસ્ટ સુધીમાં મનપામાં પીવાના પાણી લગત 529 ફરિયાદ મળી હતી. જેમાંથી 500 જેટલી ફરિયાદ સોલ્વ કરવામાં આવી હોય જ્યારે બાકીની ફરિયાદ ઉકેલ માટે લાંબા ગાળાના આયોજન જરૂરી હોય જેમાં પાણીની નવી લાઇન નાખવા તેમજ મોટા કામ હોય જેનો શક્ય તેટલા ઝડપથી ઉકેલ લાવવાનો મોરબી મનપાના સિટી ઇજનેર હિતેશભાઈ આદ્રોજાએ જણાવ્યું હતું.

