ડીસાના બલોધર ગામે આવેલી પાંજરાપોળમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં ઝેરી ઘાસ ખાવાના કારણે 36 જેટલી ગાયોનાં મોત નીપજ્યાં છે. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પશુપાલન વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઝેરી ઘાસની અસર પામેલી 15થી વધુ ગાયને બચાવી લેવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ગરમીની સિઝનમાં લીલી કુણી બાજરી ભારે બફારાના કારણે ઓથાઈ ગઈ હતી, જેના કારણે તે ઝેરી બની ગઈ હતી. આ ઘાસ ખાવાથી ગાયોને તેની અસર થઈ અને તે મૃત્યુ પામી હતી. આ દરમિયાન પાંજરાપોળમાં મૃત્યુ પામેલી વૃદ્ધ ગાયોને જેસીબી મશીન દ્વારા ખાડો ખોદીને ગૌશાળામાં જ સમાધિ આપવામાં આવી છે. આ ઘટનાથી પશુપાલકો અને ગૌશાળા સંચાલકોમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

