મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવતા કન્યા છાત્રાલય રોડ થી બાયપાસ જે જોડતા રોડ પર આવેલા એક પુલ પર અચાનક મસ મોટો ભૂવો પડી ગયો છે. અને તેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો સાથે ગંભીર અકસ્માત થવાનું જોખમ તોડાઇ રહ્યું છે.અહીથી દિવસ દરમિયાન અનેક વાહન ચાલકો નીકળતા હોય છે આં ઉપરાંત બાજુમાં એક શાળા પણ આવેલી હોય જેથી ભૂલકાઓએ દરરોજ જીવના જોખમે અભ્યાસ અર્થે આવવું પડે છે અહી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં પાલિકા ભૂવો રીપેર કરાવે તેની તાતી જરૂરિયાત છે.
કન્યા છાત્રાલય રોડ પર રાધે કૃષ્ણ સ્કૂલની બાજુમાં મોટો ભૂવો પડ્યો છે સ્થાનિકોના મતે ભ્રષ્ટાચારના પાયા પર ટકેલા આ પુલ પડેલું ગાબડું જોખમી છે. દૈનિક વાહન ચાલકો તો ત્યાં પસાર થાય જ છે પરંતુ ભૂલકાઓ પણ શાળાએ જતા હોય અને આટલું ઓછું હોય તેમ પુલની બંને સાઈડ ખુલ્લી છે. જ્યાં ખુલ્લી ગટર આવેલી છે. તો જો કોઈ બાળક ભૂલથી પણ પડી જાય તો તેની સામે સીધું મૃત્યુનું જોખમ તોળાઈ રહ્યું છે. આવા સમયે સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર જાણે કોઈ અનિચ્છનીય બનાવની રાહ જોતું હોય તેમ હજુ સુધી આ ગાબડાનું રીપેરીંગ થયું નથી. તંત્રની આંખ ક્યારે ઉઘડશે તેવો સવાલ સ્થાનિકો કરી રહ્યા છે

