મોરબીમા દિન પ્રતિદિન માલિકની જમીનો હોય કે સરકારી જમીનો ભુમાફિયાઓ કોઈને કોઈ રીતે દબાણ કરી રહ્યા છે.જોકે આવા તત્વો પર કોઈ કડક કાર્યવાહી ન થવાથી આવા તત્વોને મોકળુ મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં વધુ એક લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ફરિયાદ નોંધાઇ છે જે મુજબ મોરબીના ઉચી માંડલ ગામે સરકાર તરફથી લાભાર્થીને આવાસ માટે મળેલ સો વાર પ્લોટ ઉપર પાડોશીએ દબાણ કરી લેતા મામલો લેન્ડ ગ્રેબિંગ કમિટી સુધી પહોંચ્યો હતો.જે બાદ જિલ્લા લેન્ડ ગ્રીબિગ કમિટીમાંથી લીલીઝંડી મળતા તાલુકા પોલીસે બે ભાઈઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવી હતી આ અંગેની મળતી માહિતી મુજબ
મોરબીના ઉચી માંડલ ગામમાં રહેતા ભાવેશભાઇ કાળુભાઇ ચાવડા નામના ૩૭ વર્ષીય મજૂર પાસે ઉંચી માંડલ ગામે રહેવા માટે મકાન ન હોય જેથી મોટા ભાઇ રાજેશભાઇ કાળુભાઇ ચાવડા સાથે રહેતા હોય, તેઓએ સરકારની યોજના મુજબ ૧૦૦ વારનો પ્લોટ આવાસ બાંધકામ સબબ ઘરથાળ મફત પ્લોટ આપવા અરજી કરેલ હતી. જે અરજી આધારે તા.૦૫/૦૮/૨૦૨૨ની લેન્ડ કમીટીમાં પ્લોટ આપવા નિર્ણય થતા, તાલુકા વિકાસ અધિકારી, મોરબીની કચેરી દ્વારા ઉંચીમાંડલ ગામ તળનો પ્લોટ નંબર-૨૫ ક્ષેત્રફળ ૧૦૦ ચો.વાર મંજુર થયેલ. ત્યારબાદ તા.૧૦/૧૦/ ૨૦૨૨ ના રોજ મળેલ પ્લોટનો કબ્જો સોંપેલ હતો. જોકે છ મહીના પહેલા જે પ્લોટ મળેલ તે પ્લોટની બાજુમાં ઉકાભાઇ રામજીભાઇ બોડાણા, મનસુખભાઇ રામજીભાઈ બોડાણા તથા તેના કુટુંબના સભ્યો રહેતા હોય, તેઓએ આખા પ્લોટમાં કબ્જો કરી વંડો બનાવી લીધેલ હતો. તેઓ આ પ્લોટ ખાલી કરતા ન હોય જેથી મામલો લેન્ડ ગ્રેબીંગ કમિટી સુધી પહોંચતા નિવાસી અધિક કલેક્ટર દ્વારા પ્લોટમાં દબાણ કરનાર વિરૂઘ્ધ ફરીયાદ દાખલ કરવા નિર્ણય થયેલ છે.
જેને પગલે તાલુકા પોલીસ દ્વારા ફરિયાદને આધારે ઉકાભાઈ રામજીભાઇ બોડાણા અને મનસુખભાઇ રામજીભાઇ બોડાણા રહે.બન્ને ઉંચી માંડલવાળા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

